US ફેડની નવી ટીમમાં 3 ભારતીયોને સ્થાન, જેમાં એક RBIના પૂર્વ ગવર્નર રહી ચૂક્યા છે

અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા નાણાકીય નીતિની સમીક્ષા માટે 5 ટાસ્ક ફોર્સ બનાવાયા છે. જેમાં RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન, હાર્વર્ડના અર્થશાસ્ત્રી રાજ ચેટ્ટી અને માઇક્રોસોફ્ટના આશા શર્મા સહિત 3 ભારતીયનો સમાવેશ થયો છે. રાજન બેલેન્સ શીટ પોલિસી, ચેટ્ટી ડેટા અને શર્મા પ્રોડક્ટિવિટી એન્ડ જોબ્સ ટાસ્ક ફોર્સમાં સામેલ છે. ફેડના નવા ચેરમેન કેવિન વાર્શે આ પહેલ કરી છે.
અમેરિકન ફેડરલ રિઝર્વ (Fed) દ્વારા નાણાકીય નીતિ (Monetary Policy)ની સમીક્ષા કરવા માટે પાંચ મુખ્ય ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે, જેમાં ભારતીય મૂળના 3 નિષ્ણાતોનો સમાવેશ કરાયો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન, હાર્વર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી રાજ ચેટ્ટી અને માઇક્રોસોફ્ટના એક્ઝિક્યુટિવ આશા શર્માને આ ટાસ્ક ફોર્સમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.
ફેડરલ રિઝર્વના નવા ચેરમેન કેવિન વાર્શે મોનેટરી પોલિસી બનાવવાના મહત્વપૂર્ણ ક્ષેત્રોની તપાસ માટે આ ટાસ્ક ફોર્સની રચના કરી છે. જેમાં કોમ્યુનિકેશન, બેલેન્સ શીટ પોલિસી, ડેટા, પ્રોડક્ટિવિટી એન્ડ જોબ્સ, તેમજ ઇન્ફ્લેશન ફ્રેમવર્ક જેવા વિષયો સામેલ છે.
કોને કઈ જવાબદારી મળી?
બેલેન્સ શીટ પોલિસીની સમીક્ષા કરશે રઘુરામ રાજન
રઘુરામ રાજનને બેલેન્સ શીટ પોલિસી ટાસ્ક ફોર્સમાં સામેલ કરવામાં આવ્યા છે. આ પેનલમાં હાર્વર્ડના અર્થશાસ્ત્રી કરેન ડાયનન અને ફેડરલ રિઝર્વના પૂર્વ ગવર્નર જેરેમી સ્ટીન પણ સામેલ છે. આ ટાસ્ક ફોર્સ ફેડરલ રિઝર્વની વર્તમાન બેલેન્સ શીટ વ્યવસ્થાના ખર્ચ, લાભ અને સંસ્થાકીય અસરોની તપાસ કરશે. ગ્લોબલ ઇકોનોમી અને મોનેટરી પોલિસીના ઊંડા જાણકાર હોવાથી, રાજનની કુશળતા આ પેનલમાં મહત્વની ભૂમિકા ભજવશે.
ડેટા ટાસ્ક ફોર્સમાં રાજ ચેટ્ટીને મળ્યું સ્થાન
હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રખ્યાત અર્થશાસ્ત્રી રાજ ચેટ્ટીની ડેટા ટાસ્ક ફોર્સમાં નિમણૂક કરવામાં આવી છે. આ પેનલમાં ડગ મેકમિલન અને શિકાગો યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી કેવિન મર્ફી પણ સામેલ છે. આ ટાસ્ક ફોર્સ ફેડરલ રિઝર્વના નીતિગત નિર્ણયોમાં ઉપયોગમાં લેવાતા આર્થિક ડેટાની ગુણવત્તા અને સમયબદ્ધતામાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ચેટ્ટી રિયલ ટાઇમ અને વહીવટી ડેટાનો ઉપયોગ કરીને ઇકોનોમિક મોબિલિટી, અસમાનતા અને લેબર માર્કેટના અભ્યાસ માટે જાણીતા છે.
પ્રોડક્ટિવીટી એન્ડ જોબ્સ ( Productivity and Jobs) ટાસ્ક ફોર્સમાં સામેલ થયા આશા શર્મા
માઇક્રોસોફ્ટના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને Xbox ના CEO આશા શર્માને પ્રોડક્ટિવિટી એન્ડ જોબ્સ ટાસ્ક ફોર્સમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પેનલમાં માર્ક એન્ડ્રીસન અને સ્ટેનફોર્ડના અર્થશાસ્ત્રી ચાર્લ્સ આઈ જોન્સ પણ સામેલ છે. આ જૂથ AI સહિતની ન્યૂ જનરલ પર્પઝ ટેક્નોલોજીની આર્થિક અસરોનું મૂલ્યાંકન કરશે, જેથી ફેડરલ રિઝર્વના નીતિગત નિર્ણયોને વધુ સચોટ બનાવી શકાય. શર્માનો ટેકનોલોજી ક્ષેત્રનો અનુભવ આ પેનલ માટે વિશેષ ઉપયોગી સાબિત થશે.
અન્ય ટાસ્ક ફોર્સની વિગતો
કોમ્યુનિકેશન ટાસ્ક ફોર્સ: તેનું નેતૃત્વ પીટર આર ફિશર, અરમિનિયો ફ્રાગા અને બેંક ઓફ ઈંગ્લેન્ડના પૂર્વ ગવર્નર મર્વિન કિંગ કરશે. આ પેનલ અનિશ્ચિતતાના સમયમાં ફેડરલ રિઝર્વ દ્વારા નીતિગત નિર્ણયોના સંવાદની રીતની સમીક્ષા કરશે.
ઇન્ફ્લેશન ફ્રેમવર્ક ટાસ્ક ફોર્સ: તેનું નેતૃત્વ હાર્વર્ડના અર્થશાસ્ત્રી ગ્રેગ મેનક્યુ, નોબેલ પુરસ્કાર વિજેતા થોમસ સાર્જન્ટ અને બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સના પૂર્વ સલાહકાર વિલિયમ વ્હાઇટ કરશે. આ પેનલ ફેડરલ રિઝર્વ મોંઘવારીના કારણોને કેવી રીતે સમજે છે, અને તેનો સામનો કેવી રીતે કરે છે તેના પર પુનર્વિચાર કરશે.
કેવિન વાર્શે મોનેટરી પોલિસી સમીક્ષાની રૂપરેખા રજૂ કરી
ફેડરલ રિઝર્વના અધ્યક્ષ કેવિન વાર્શે આ પહેલની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ‘આ સમીક્ષા એવા સમયે કરવામાં આવી રહી છે, જ્યારે અમેરિકન અર્થતંત્ર મહત્વપૂર્ણ ફેરફારોમાંથી પસાર થઈ રહ્યું છે.’ તેમણે ઉમેર્યું કે, ‘અમેરિકન અર્થતંત્ર પાછલી પેઢીમાં ઘણું બદલાયું છે, અને હવે પહેલા કરતાં પણ વધુ, દરેક ટાસ્ક ફોર્સ એ બાબત પર સાવચેતીપૂર્વક વિચાર કરશે કે, શું નીતિ નિર્માતાઓના સાધનો, પદ્ધતિઓ અને વિશ્લેષણાત્મક અભિગમમાં સુધારો કરી શકાય છે. અમારું લક્ષ્ય સ્પષ્ટ છે, આ મહત્વપૂર્ણ સમયમાં ફેડ પોતાના ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ સ્થિતિમાં હોય.’
આ ટાસ્ક ફોર્સમાં વિશ્વના અગ્રણી અર્થશાસ્ત્રીઓ, બિઝનેસ લીડર્સ અને ભૂતપૂર્વ સેન્ટ્રલ બેંક વ્યાવસાયિકોનો મોટો જમાવડો જોવા મળી રહ્યો છે.

