પિતાના અવસાનના ૪ જ દિવસમાં મેસી મેદાન પર ઉતર્યો
ઇન્ટર મિયામી ક્લબ તરફથી રમ્યો મેસી

મિયામી: વિશ્વના મહાનતમ ફૂટબોલર લિયોનેલ મેસીના માથા પરથી પિતાનો સાયો છીનવાઈ ગયાના માત્ર ૪ દિવસના ટૂંકા ગાળામાં જ તેણે ફરી એકવાર ફૂટબોલના મેદાન પર વાપસી કરી છે. પિતાના અવસાનના આઘાતથી ભાંગી પડેલા મેસીના ચહેરા પર ઉદાસી અને આંખોમાં પિતાને ગુમાવવાનું દર્દ સ્પષ્ટપણે જોઈ શકાતું હતું. ઉલ્લેખનીય છે કે, તેના પિતા જોર્જ મેસીનું ૬૮ વર્ષની વયે લાંબી બીમારી બાદ અર્જેન્ટિનાના રોસારિયો શહેરમાં નિધન થયું હતું. તેઓ મેસીના પિતા ઉપરાંત તેના કરિયરમાં એજન્ટ અને બિઝનેસ મેનેજર પણ રહ્યા હતા.
અનિશ્ચિતતાઓ વચ્ચે મેદાનમાં આશ્ચર્યજનક વાપસી
પિતાના અવસાન બાદ મેસી ફૂટબોલથી દૂર થઈ ગયો હતો અને ઈન્ટર મિયામી ક્લબે તેને આ માનસિક આઘાતમાંથી બહાર આવવા બ્રેક આપ્યો હતો. એવી અટકળો ચાલતી હતી કે તે લાંબો સમય રમતથી દૂર રહેશે, પરંતુ અર્જેન્ટિનિયન સુપરસ્ટારે મિયામી ખાતે ચોંકાવનારી વાપસી કરી હતી. લિઓન સામે ઈન્ટર મિયામીની લીગ્સ કપ મેચમાં મેસી બીજા હાફમાં સબ્સ્ટિટ્યૂટ તરીકે મેદાનમાં ઉતર્યો હતો. જ્યારે મેસી મેચમાં સામેલ થવા માટે આગળ વધ્યો, ત્યારે સ્ટેડિયમમાં ઉપસ્થિત પ્રેક્ષકોએ જોરદાર તાળીઓના ગડગડાટ સાથે તેને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી.
સોશિયલ મીડિયા પર પિતાના નામે અત્યંત ભાવુક પોસ્ટ
પિતાના નિધન બાદ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ લખતાં મેસીએ પોતાના દિલનું દર્દ વ્યક્ત કર્યું હતું. તેણે લખ્યું હતું કે, “મને નથી ખબર કે તમારા વગર હું શું કરીશ. મને નથી સમજાતું કે આગળ કેવી રીતે વધવું. મેં માત્ર ફૂટબોલ જ રમ્યું છે, અને હવે મને ભારે શંકા છે કે હું તેને વધુ સમય સુધી રમી શકીશ કે નહીં. તમે એક પિતા, મિત્ર અને પ્રતિનિધિ હતા. તમે હંમેશાં સાચા રહ્યા. તમારી ખૂબ યાદ આવશે, ભગવાન તમારા આત્માને શાંતિ આપે.”
વાપસી છતાં ઈન્ટર મિયામીની હાર
મેસીની મેદાન પર વાપસી એવા સમયે થઈ જ્યારે ઈન્ટર મિયામી ક્લબ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી હતી. લીગ્સ કપના અંતિમ ગ્રુપ-સ્ટેજ મેચમાં લિઓન સામે જીતવું મિયામી માટે અત્યંત જરૂરી હતું. આ મેચમાં મેસીને હાફ-ટાઈમ પછી મેદાન પર ઉતારવામાં આવ્યા હતા. જોકે, તેમની વાપસી છતાં ઈન્ટર મિયામીનો પરાજય થયો હતો અને લિઓન ટીમે આ મેચ ૩-૨ થી જીતી લીધી હતી. મીડિયા અહેવાલ અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મેસીને આ સ્થિતિમાં રમી રહેલો જોઈને વિશ્વભરના કરોડો ચાહકો ભાવુક થઈ ગયા હતા.

