Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home ›World › કુરિલ-દ્વીપ સમૂહ અંગે જાપાન અને રશિયા વચ્ચે વિવાદ વધુ વકર્યો

કુરિલ-દ્વીપ સમૂહ અંગે જાપાન અને રશિયા વચ્ચે વિવાદ વધુ વકર્યો

By Ramesh Parmar August 13, 2026 World
Share:

વ્લાદિમીર પુતિનની વિવાદિત ટાપુની મુલાકાત

ટોક્યો/મોસ્કો: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જાપાનની ઉત્તરે આવેલા વિવાદિત કુરિલ-દ્વીપ સમૂહની મુલાકાત લેતાં બંને દેશો વચ્ચે ૮૧ વર્ષ જૂનો દ્વિપક્ષીય વિવાદ ફરી એકવાર ઉગ્ર બન્યો છે. ૧૩ ઓગસ્ટે પુતિનની આ પ્રથમ પૂર્વ રશિયા અને દ્વીપ સમૂહની મુલાકાતને પગલે જાપાને ભારે નારાજગી વ્યક્ત કરીને રશિયા સામે કડક વિરોધ નોંધાવ્યો છે. જાપાન આ ટાપુઓને પોતાની ‘નોર્ધન ટેરિટરીઝ’ ગણાવે છે, જ્યારે રશિયા તેના પર પોતાનો સાર્વભૌમ અધિકાર દાવો કરે છે.

૧૯૪૫ માં સ્ટેલિને કબજે કર્યો હતો દ્વીપ સમૂહ
ઇતિહાસ અનુસાર, ૧૯૪૫ માં દ્વિતીય વિશ્વયુદ્ધના અંતિમ તબક્કામાં તત્કાલીન અખંડ સોવિયેત સંઘના સરમુખત્યાર જોસેફ સ્ટેલિને જાપાન સામે યુદ્ધ જાહેર કરીને આ ટાપુઓ પર સૈન્ય કબજો જમાવી લીધો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિરોશિમા પર અણુબોમ્બ ફેંકાયા બાદ જાપાને શરણાગતિ સ્વીકારી હતી, પરંતુ ત્યારથી આ ટાપુઓ પર રશિયાનું નિયંત્રણ ચાલુ છે. જાપાનના વિદેશ મંત્રી તોશિમિત્સુ મોતેગીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ઇતિહાસ અને આંતરરાષ્ટ્રીય કાનૂન બંને દ્રષ્ટિએ આ ટાપુઓ જાપાનનો જ અભિન્ન ભાગ છે.

ફિશ પ્રોસેસિંગ પ્લાન્ટ અને નૌકામથકની મુલાકાત
ક્રેમલિન દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયો અનુસાર, રાષ્ટ્રપતિ પુતિને કુરિલ ટાપુઓ પર આવેલા એક ફિશ-પ્રોસેસિંગ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. કુરિલ પહોંચતા પહેલા તેઓ સખાલિન ટાપુ પર પણ ગયા હતા, જ્યાં રશિયાની પૂર્વ સીમાને સુરક્ષિત રાખવા માટેનું અત્યંત મહત્વપૂર્ણ નૌકા મથક આવેલું છે.

યુક્રેન યુદ્ધ બાદ વધુ વણસ્યા દ્વિપક્ષીય સંબંધો
વર્ષ ૨૦૨૨ માં રશિયા દ્વારા યુક્રેન પર કરવામાં આવેલા આક્રમણ બાદ જાપાન અને રશિયા વચ્ચેના સંબંધોમાં ભારે ખટાશ આવી ગઈ છે. એક તરફ રશિયાના ઉત્તર કોરિયા અને ચીન સાથેના સંબંધો મજબૂત થઈ રહ્યા છે, તો બીજી તરફ જાપાન સાથેનો પ્રાદેશિક વિવાદ વધુ જટિલ બની રહ્યો છે. મીડિયા અહેવાલ અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પુતિનની આ મુલાકાતથી પૂર્વ એશિયાના રાજકીય અને સૈન્ય સમીકરણો વધુ તંગ બનવાની શક્યતા છે.

Ad