ભારતનો વિનાશ કરવા પાકિસ્તાનના પૂર્વ મંત્રીની આતંકીઓ સાથે મંચ પર ધમકી
લશ્કર-એ-તૈય્યબાના કમાન્ડરો સાથે વાયરલ વીડિયો

ઇસ્લામાબાદ: પાકિસ્તાન આતંકવાદીઓ માટે સલામત સ્વર્ગ હોવાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. પાકિસ્તાનના પૂર્વ મંત્રી શેખ રશીદ એહમદનો કુખ્યાત આતંકી સંગઠન લશ્કર-એ-તૈય્યબાના કમાન્ડરો સાથેનો એક વિવાદિત વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ આતંકવાદીઓ સાથે એક જ મંચ પર બેસીને ભારતનો સર્વનાશ કરવાની ખુલ્લેઆમ ધમકી આપતા જોવા મળી રહ્યા છે, જેનાથી પાકિસ્તાનનો આતંકવાદી ચહેરો ફરી એકવાર વિશ્વ સમક્ષ ખુલ્લો પડી ગયો છે.
હાફિઝ સઈદનો ગુલામ હોવાનો સ્વીકાર
વાયરલ વીડિયોમાં શેખ રશીદ એહમદ લશ્કર-એ-તૈય્યબાના કમાન્ડરો ખાલીદ મસૂદ અને કારી મુહમ્મદ યાકુબની વચ્ચે બેઠેલા દેખાય છે. સભાને સંબોધતા તેમણે પોતાને મુંબઈ ૨૬/૧૧ હુમલાના માસ્ટરમાઈન્ડ અને વૈશ્વિક આતંકી હાફિઝ સઈદના ગુલામ અને અનુયાયી ગણાવ્યા હતા. તેમણે જાહેરમાં સ્વીકાર્યું હતું કે હાફિઝ સઈદનો મોબાઈલ નંબર તેમના ફોનમાંથી મળી આવવાના કારણે તેમને ભૂતકાળમાં અમેરિકામાંથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા.
નેતાઓ અને અગ્રણીઓનું આતંકી કનેક્શન
પાકિસ્તાનમાં રાજકારણીઓ અને ચર્ચિત હસ્તીઓનું આતંકીઓ સાથેનું જોડાણ કોઈ નવી વાત નથી. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તરનો મોટો ભાઈ શાહીદ અખ્તર પણ આતંકીઓ સાથે સંકળાયેલો હોવાના અહેવાલો અગાઉ સામે આવી ચૂક્યા છે. તેના સમયમાં ઈનામ-ઉર-રહેમાન, અબ્દુલ્લાહ તૂર, હાફિઝ ઉંમર અને અમજાદ ભટ્ટી જેવા અનેક આતંકવાદીઓ સક્રિય જોવા મળ્યા હતા.
વૈશ્વિક સ્તરે પાકિસ્તાનની નાપાક હરકતોની ટીકા
યુએસ કોંગ્રેસના રિસર્ચ સર્વિસ દ્વારા વારંવાર ચેતવણી આપવામાં આવી છે કે પાકિસ્તાન આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની ચૂક્યું છે. પૂર્વ મંત્રીના આ ઝેરીલા નિવેદનથી આ વાત પુનઃ સાબિત થઈ છે. મીડિયા અહેવાલ અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પાકિસ્તાની નેતાઓના આતંકવાદીઓ સાથેના ખુલ્લા સંબંધો અને ભારત વિરોધી ઝેર ઓકવાની નીતિને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન વધુ એકલું પડી રહ્યું છે.

