Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home ›World › ઇટાલીમાં મેલોની સરકાર સામે યુવાનોનો આક્રોશ

ઇટાલીમાં મેલોની સરકાર સામે યુવાનોનો આક્રોશ

By Ramesh Parmar August 13, 2026 World
Share:

૩૫ વર્ષથી ઓછી વયના યુવાનોમાં ઘટતું મંજૂરી રેટિંગ

ભારતના શાસકો માટે મહત્વનો બોધપાઠ

રોમ: કોઈપણ દેશનું ભવિષ્ય તેના યુવાનોના હાથમાં હોય છે, પરંતુ જ્યારે એ જ યુવા પેઢી પોતાના ભવિષ્ય, રોજગારી અને સમાન તકો માટે વિરોધનો માર્ગ અપનાવે ત્યારે મોટામાં મોટા સત્તાધીશો સામે પડકાર ઊભો થાય છે. વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં પેપર લીક અને રોજગારના મુદ્દે દિલ્હીથી લઈને ઝારખંડ સુધી યુવાનો આંદોલન કરી રહ્યા છે, ત્યારે યુરોપિયન દેશ ઇટાલીમાં પણ વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની સરકાર સામે યુવાનોનો આક્રોશ ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે. ૨૦૨૭ ની રાષ્ટ્રીય ચૂંટણીઓ પહેલાં યુવા મતદારોમાં મેલોનીની લોકપ્રિયતામાં મોટો ઘટાડો નોંધાયો છે.

મંજૂરી રેટિંગમાં મોટો ઘટાડો અને આર્થિક તકોનો અભાવ
તાજેતરના ઓપિનિયન પોલ્સ અનુસાર, ૩૫ વર્ષથી ઓછી વયના યુવાનોમાં મેલોની સરકારનું મંજૂરી રેટિંગ (Approval Rating) ઘટીને માત્ર ૨૫% રહી ગયું છે, જ્યારે સમગ્ર વસ્તીમાં તે ૩૫% છે. ૨૦૨૨ માં પદ સંભાળ્યા બાદ મેલોની સરકારે યુવાનો માટે નવી રોજગારી કે આર્થિક તકો ઊભી કરવા સુધારા કર્યા નથી. યુરોસ્ટેટના ડેટા મુજબ યુરો ઝોનમાં ૧૫ થી ૨૪ વર્ષના યુવાનોમાં ઇટાલીનો રોજગાર દર સૌથી ઓછો છે. શિક્ષણમાં ઓછું રોકાણ અને ઓછી કમાણીને કારણે હજારો ઈટાલિયન યુવાનો દેશ છોડીને પલાયન કરી રહ્યા છે.

કડક કાયદા, ‘નો મેલોની ડે’ અને સગીરો સામે કાર્યવાહી
મેલોની સરકારે રેવ પાર્ટીઓ પર પ્રતિબંધ, હળવા ગાંજાના ઉત્પાદન પર રોક અને વિરોધ પ્રદર્શનો પર કડકાઈ દર્શાવી છે, જે યુવાનોને પસંદ નથી આવી. ૨૦૨૩ થી કાયદામાં ફેરફાર કરીને ૧૪ થી ૧૭ વર્ષના સગીરોને આકરી સજાની જોગવાઈ કરાતાં જેલમાં સગીરોની સંખ્યા ૫૦% વધી છે. વિદ્યાર્થીઓએ શિક્ષણ ખર્ચમાં કાપ અને સરકારી નીતિઓ સામે ‘નો મેલોની ડે’ અંતર્ગત રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનો કર્યા છે. પોલિંગ એજન્સીઓ મુજબ ૩૫ વર્ષથી ઓછી વયના ૫૦% યુવાનો મધ્ય-ડાબેરી વિપક્ષી ગઠબંધનનું સમર્થન કરી રહ્યા છે.

૨૦૨૭ ની ચૂંટણી અને ભારત માટે બોધપાઠ
સામાન્ય રીતે મતદાનથી દૂર રહેતા ઇટાલિયન યુવાનોમાંથી ૬૭% યુવાનોએ માર્ચ મહિનામાં ન્યાય પ્રણાલીના લોકમતમાં ભાગ લીધો હતો, જેમાંથી ૬૦% લોકોએ મેલોની-સમર્થિત સુધારાને ફગાવી દીધા હતા. આ સ્થિતિ દર્શાવે છે કે જ્યારે યુવા વર્ગ સામૂહિક રીતે મતદાન કરે છે ત્યારે તે પરિણામો બદલી નાખે છે. ઇટાલી કે ભારતમાં શાસક પક્ષો જો યુવાનોના રોજગાર, શિક્ષણ અને સ્વતંત્રતા જેવા મૂળભૂત પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ જશે, તો આવનારી ચૂંટણીઓમાં યુવાનોનો આ આક્રોશ મતદાનમાં પરિણમી સત્તા પરિવર્તન લાવી શકે છે. મીડિયા અહેવાલ અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ વૈશ્વિક ઘટનાક્રમ તમામ લોકશાહી દેશોના શાસકો માટે ચેતવણી સમાન છે.

Ad