અમેરિકાએ ભારત પર 10% વધારાનો ટેરિફ લગાવ્યો :ફોર્સ્ડ લેબરથી બનેલા સામાનને લઈને કાર્યવાહી, 60 દેશો પર કાર્યવાહી

વોશિંગ્ટન ડીસી: અમેરિકાએ ભારતમાંથી આયાત થતી ચીજવસ્તુઓ પર 10% વધારાની ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. આ નિર્ણય શુક્રવારથી લાગુ થઈ ગયો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ પર અમેરિકી ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) એ ફોર્સ્ડ લેબર (જબરદસ્તી મજૂરી) થી બનેલા સામાનની આયાતને લઈને 60 દેશો પર કાર્યવાહી કરી છે.
અમેરિકાએ આ દેશો પર 10% થી 12.5% સુધી વધારાની ટેરિફ લગાવી છે. ભારત તે 17 દેશોમાં શામેલ છે, જેના પર 10% વધારાની ટેરિફ લગાવવામાં આવી છે. જ્યારે બાકીના 43 દેશો પર 12.5% વધારાની ટેરિફ લગાવવામાં આવી છે. અમેરિકાએ આ કાર્યવાહી ટ્રેડ એક્ટ-1974 ની કલમ 301 હેઠળ કરી છે.
ભારત ઉપરાંત બ્રિટન, કેનેડા, ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ, મેક્સિકો, પાકિસ્તાન અને શ્રીલંકા સહિત ઘણા દેશોને 10% ટેરિફવાળા જૂથમાં રાખવામાં આવ્યા છે. અમેરિકાનું કહેવું છે કે આ દેશોએ ફોર્સ્ડ લેબરથી બનેલા સામાન પર પ્રતિબંધ લગાવ્યો છે અથવા આવું કરવાની દિશામાં પગલાં ભર્યા છે.
ભારતના કયા સેક્ટર્સ પર સૌથી વધુ અસર પડી શકે છે ?
અમેરિકા ભારતનું સૌથી મોટું નિકાસ બજાર છે. આવા સંજોગોમાં, વધારાના 10% ટેરિફની તે ક્ષેત્રો પર વધુ અસર પડી શકે છે, જેમની અમેરિકી બજાર પર નિર્ભરતા વધુ છે. આમાં ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, લેધર પ્રોડક્ટ્સ, કૃષિ અને ફૂડ પ્રોડક્ટ્સ, એન્જિનિયરિંગ ગુડ્સ, કેમિકલ્સ અને કેટલીક મેન્યુફેક્ચરિંગ આઇટમ્સનો સમાવેશ થાય છે.
વધારાનો ટેરિફ લાગુ થવાથી ભારતીય ઉત્પાદનો અમેરિકી બજારમાં મોંઘા થઈ જશે. આનાથી ખરીદદારો અન્ય દેશોના વિકલ્પો શોધી શકે છે અથવા ભારતીય નિકાસકારો પર કિંમત ઘટાડવાનું દબાણ વધી શકે છે.
ભારતને 12.5% ને બદલે 10% ટેરિફ શા માટે મળ્યો?
શરૂઆતમાં ભારત પર 12.5% વધારાનો ટેરિફ લાદવાનો પ્રસ્તાવ હતો. જોકે બાદમાં ભારત સરકાર દ્વારા શ્રમ ધોરણો અને સપ્લાય ચેઇનની દેખરેખ સંબંધિત કેટલાક નીતિગત સુધારાઓ તથા અમેરિકા સાથે સતત વાતચીત પછી તેને ઘટાડીને 10% કરી દેવામાં આવ્યો.
ફેડરલ નોટમાં કહેવામાં આવ્યું છે કે જૂનમાં પ્રસ્તાવિત ટેરિફ જાહેર થયા પછી ભારતે 14 જૂને પોતાની વિદેશી વેપાર નીતિમાં સુધારો કર્યો. અમેરિકાનું માનવું હતું કે ભારતે શ્રમિક અધિકારોની દેખરેખ, નિયમોનું પાલન અને સપ્લાય ચેઇનમાં પારદર્શિતા વધારવાની દિશામાં કેટલાક સકારાત્મક પગલાં લીધા છે. આ જ આધારે પ્રસ્તાવિત ટેરિફમાં 2.5% ની રાહત આપવામાં આવી.
10% ટેરિફ લાગુ રહેવાનો અર્થ એ છે કે ભારતને સંપૂર્ણ છૂટ મળી નથી. એટલે કે અમેરિકા હજુ પણ ઈચ્છે છે કે ભારત શ્રમ ધોરણો અને ફોર્સ્ડ લેબર સંબંધિત નિયમોને વધુ અસરકારક રીતે લાગુ કરે. જોકે 12.5% ને બદલે 10% ટેરિફથી ભારતીય નિકાસકારો પર પડનારો વધારાના ખર્ચનો બોજ થોડો ઓછો થશે.
ફોર્સ્ડ લેબર શું છે, જેના પર અમેરિકા કડકાઈ કરી રહ્યું છે
ફોર્સ્ડ લેબર એટલે એવી મજૂરી, જેમાં કોઈ વ્યક્તિ પાસેથી તેની ઈચ્છા વિરુદ્ધ કામ કરાવવામાં આવે. આમાં ધમકી, દેવું, હિંસા, દસ્તાવેજો જપ્ત કરવા, પગાર રોકવો અથવા નોકરી છોડવાની આઝાદી ન આપવા જેવી પરિસ્થિતિઓ શામેલ હોય છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO) તેને માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન માને છે.
અમેરિકાનું કહેવું છે કે જો કોઈ દેશમાંથી આયાત થતો સામાન ફોર્સ્ડ લેબર સાથે સંકળાયેલો જોવા મળે, તો તેના પર વધારાનો ટેરિફ અથવા આયાત પ્રતિબંધ લગાવી શકાય છે. તેનો ઉદ્દેશ્ય કંપનીઓ પર દબાણ બનાવવાનો છે કે તેમની સપ્લાય ચેઇનમાં બળજબરીપૂર્વકની મજૂરીનો ઉપયોગ ન થાય.
સેક્શન 301 શું છે, જેના હેઠળ અમેરિકાએ ટેરિફ વધાર્યો
સેક્શન 301 અમેરિકાના ટ્રેડ એક્ટ-1974ની એક જોગવાઈ છે. આ હેઠળ અમેરિકી સરકારને એ અધિકાર મળે છે કે જો કોઈ દેશની વ્યાપારિક નીતિઓ અમેરિકી કારોબાર અથવા ઉદ્યોગો માટે અયોગ્ય, ભેદભાવપૂર્ણ અથવા નુકસાનકારક માનવામાં આવે, તો તે તેની વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે.
આ કાર્યવાહીમાં વધારાના ટેરિફ લાદવા, આયાત પર પ્રતિબંધ મૂકવો અથવા અન્ય વ્યાપારી પ્રતિબંધો શામેલ હોઈ શકે છે. તપાસની જવાબદારી અમેરિકી ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR)ની હોય છે. તપાસ દરમિયાન સંબંધિત દેશ પાસેથી જવાબ માંગવામાં આવે છે અને જરૂર પડ્યે વાતચીત પણ કરવામાં આવે છે. ત્યારબાદ અમેરિકી રાષ્ટ્રપતિની મંજૂરીથી કાર્યવાહી લાગુ પડે છે.
અગાઉ પણ ઘણા દેશો અને ઉદ્યોગો પર કાર્યવાહી થઈ ચૂકી છે
અમેરિકા છેલ્લા કેટલાક વર્ષોમાં ફોર્સ્ડ લેબરના મુદ્દે ઘણા દેશો વિરુદ્ધ કાર્યવાહી કરી ચૂક્યું છે.
ખાસ કરીને ચીનના શિનજિયાંગ પ્રદેશમાંથી આવતા કપાસ, ટામેટાં, સોલર પેનલ અને તેના સંબંધિત ઉત્પાદનો પર કડક આયાત પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. આ ઉપરાંત દરિયાઈ ખાદ્યપદાર્થો, પામ તેલ, રબર, કોકો, ટેક્સટાઇલ અને ખાણકામ જેવા ઉદ્યોગો પણ અમેરિકી તપાસના દાયરામાં રહ્યા છે

