ઋષભ શેટ્ટીની જય હનુમાનમાં વામિકા ગબ્બીની ધમાકેદાર રીતે એન્ટ્રી
પ્રશાંત વર્માની સુપરહિટ હનુ-માનની સિક્વલ

મુંબઈ: બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અભિનય ક્ષમતાથી ઓળખ બનાવનાર અભિનેત્રી વામિકા ગબ્બીને દક્ષિણ ભારતીય સિનેમાની સૌથી મોટો પ્રોજેક્ટ માનવામાં આવતી ફિલ્મ ‘જય હનુમાન’ માટે સાઈન કરવામાં આવી છે. ‘કાંતારા’ ફેમ અભિનેતા અને ડિરેક્ટર ઋષભ શેટ્ટી આ ફિલ્મમાં ભગવાન હનુમાનજીની મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. વામિકાની કારકિર્દી માટે આ સાઉથ બિગ બજેટ ફિલ્મ એક નવો અને મહત્ત્વનો વળાંક સાબિત થઈ શકે છે.
૨૦૨૪ ની સુપરહિટ ‘હનુ-માન’ ની સિક્વલ
વર્ષ ૨૦૨૪ માં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનાર ડિરેક્ટર પ્રશાંત વર્માની હિટ ફિલ્મ ‘હનુ-માન’ ની આ સત્તાવાર સિક્વલ છે. પ્રશાંત વર્મા સિનેમેટિક યુનિવર્સના આ આગામી ભાગમાં ઋષભ શેટ્ટી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જોકે, ફિલ્મમાં વામિકા ગબ્બી કયા પાત્રમાં જોવા મળશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી અને તેની ભૂમિકાનું રહસ્ય અકબંધ રાખવામાં આવ્યું છે.
વામિકાના અન્ય આગામી પ્રોજેક્ટ્સ
ઉલ્લેખનીય છે કે વામિકા ગબ્બી માટે આગામી સમય બહુ વ્યસ્ત રહેવાનો છે. રાજકુમાર રાવ સાથેની તેની બહુચર્ચિત ફિલ્મ ‘પ્રહાર’ સપ્ટેમ્બરમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. આ સિવાય તાજેતરમાં રિલીઝ થયેલી તમિલ ફિલ્મ ‘ડીસીઃ ધ બ્લડી વેલેન્ટાઇન’ માં તેના દ્વારા ભજવવામાં આવેલ ‘ચન્દ્રા’ ના પાત્રના ભારે વખાણ થયા હતા.
કારકિર્દી માટે ગેમ ચેન્જર સાબિત થશે ‘જય હનુમાન’
ફિલ્મ વર્તુળોમાં તૃપ્તિ ડિમરીની સમકાલીન અને પ્રતિભાશાળી ગણાતી વામિકાની કારકિર્દીને હજુ સુધી જે ઊંચાઈ મળવી જોઈતી હતી તે મળી નથી. શરૂઆતના તબક્કામાં ખોટી ફિલ્મોની પસંદગીના કારણે તેની કારકિર્દી મંદ રહી હતી, પરંતુ ‘જય હનુમાન’ જેવી વિશાળ કેનવાસ ધરાવતી ફિલ્મ તેને ગ્લોબલ સ્તરે ઓળખ અપાવી શકે છે. મીડિયા અહેવાલ અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ મોટા બેનરની ફિલ્મમાં તેની એન્ટ્રીથી તેના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

