‘ટોક્સિક’માં કિયારાના બોલ્ડ સીન્સ પર ટ્રોલિંગ થતાં સનસનાટી
રોકિંગ સ્ટાર યશ કિયારાના બચાવમાં આવ્યો

બેંગલુરુ: આગામી બહુચર્ચિત ફિલ્મ ‘ટોક્સિક’માં બોલ્ડ સીન્સને લઈને અભિનેત્રી કિયારા અડવાણીને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે સાઉથના સુપરસ્ટાર અને ‘રોકિંગ સ્ટાર’ તરીકે જાણીતા યશ કિયારાના સમર્થનમાં આગળ આવ્યા છે. બેંગલુરુ ખાતે યોજાયેલા ફિલ્મના ટ્રેલર લોન્ચ ઇવેન્ટ દરમિયાન યશે કિયારાના કામની પ્રશંસા કરીને તેને ટ્રોલર્સની ચિંતા ન કરવા અને પોતાના કામ પર પૂર્ણ વિશ્વાસ રાખવા સલાહ આપી હતી.
કિયારાના બચાવમાં યશનું મોટું નિવેદન
ઇવેન્ટ દરમિયાન યશે જણાવ્યું હતું કે એક કલાકાર તરીકે પોતાના વિચારો અને કામ પર વિશ્વાસ રાખવો અત્યંત જરૂરી છે. તેણે કિયારાને કહ્યું કે સોશિયલ મીડિયા પર થઈ રહેલી ટીકાઓથી બિલકુલ પરેશાન થવાની જરૂર નથી, કારણ કે કોઈ ફરક પડતો નથી. એકવાર આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થશે, પછી દર્શકો તેના સમર્પણ અને અદભુત પ્રદર્શનની ચોક્કસ પ્રશંસા કરશે. ફિલ્મમાં કિયારા ‘નાદિયા’ નામની સર્કસ કલાકારની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
ટ્રેલર અને ગીતથી વિવાદની શરૂઆત
ફિલ્મના ટીઝર અને તાજેતરમાં રિલીઝ થયેલા ગીતમાં કિયારા અને યશ વચ્ચેના બોલ્ડ અને ઇન્ટિમેટ સીન્સ વાયરલ થયા હતા. આ સીન્સ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયાના એક વર્ગે કિયારાને નિશાન બનાવીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. જોકે, યશે કિયારાની પ્રોફેશનલ એક્ટિંગ અને ડેડિકેશનના મુક્તકંઠે વખાણ કર્યા હતા અને ઉમેર્યું હતું કે શરૂઆતમાં મોટો સ્ટાર હોવાને કારણે ચિંતા હતી પરંતુ કિયારાએ પોતાના પ્રદર્શનથી સમગ્ર ટીમનું દિલ જીતી લીધું છે.
મેગા બજેટ પેન-ઇન્ડિયા ફિલ્મ ‘ટોક્સિક’
ગીતુ મોહનદાસ દ્વારા નિર્દેશિત ‘ટોક્સિક: અ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ’ એક વિશાળ બજેટ ધરાવતી પેન-ઇન્ડિયા એક્શન થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મ કન્નડ અને અંગ્રેજીમાં મૂળરૂપે શૂટ કરવામાં આવી છે, જ્યારે હિન્દી, તેલુગુ, તમિલ અને મલયાલમમાં પણ રિલીઝ થશે. મીડિયા અહેવાલ મુજબ, ફિલ્મમાં યશ ઉપરાંત નયનતારા, તારા સુતારિયા, રુક્મિણી વસંત અને હુમા કુરેશી જેવા સ્ટાર્સ મુખ્ય ભૂમિકામાં છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ફિલ્મમાં યશ પિતા અને પુત્ર બંનેનો ડબલ રોલ ભજવતો જોવા મળશે.

