શેખ હસીનાનું ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવાનું એલાન: ‘મને મારી નાખે તો પણ વતનની ધરતી પર જ મરવું છે’

ઢાકા: 10 જુલાઇ: બાંગ્લાદેશના હટાવાયેલા પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ જણાવ્યું છે કે તેઓ ડિસેમ્બર મહિનામાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે તેમની ધરપકડ થઈ શકે છે, તેમને મારી પણ નાખવામાં આવી શકે છે, છતાં તેઓ પોતાના વતનમાં પરત ફરવા માંગે છે.
ભારતમાં નિર્વાસિત જીવન જીવી રહેલી 78 વર્ષીય શેખ હસીનાએ રોઇટર્સને આપેલા વિશેષ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તેઓ અને અવામી લીગના અન્ય વરિષ્ઠ નેતાઓ સ્વેચ્છાએ બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં હાજર થશે.
હસીનાએ કહ્યું, “મારી વાપસી બાદ મારી ધરપકડ થઈ શકે છે, મને મારી પણ નાખવામાં આવી શકે છે. છતાં મને જવું જ પડશે. મારા પક્ષના નેતાઓ અને કાર્યકરો પર ભારે દમન થઈ રહ્યું છે. જો મૃત્યુ આવવાનું હોય તો તે મારા પોતાના વતનની ધરતી પર આવે, જ્યાં મારા માતા-પિતા દફનાયેલા છે અને જ્યાં તેમનું લોહી વહ્યું હતું.”
શેખ હસીના 2024માં વિદ્યાર્થી આગેવાની હેઠળના વ્યાપક વિરોધ પ્રદર્શન બાદ બાંગ્લાદેશ છોડીને ભારત આવી ગયા હતા. આંદોલનના પરિણામે તેમના લગભગ 20 વર્ષના શાસનનો અંત આવ્યો હતો.
ત્યારબાદ નવેમ્બર 2025માં બાંગ્લાદેશની યુદ્ધ અપરાધ ટ્રિબ્યુનલે વિદ્યાર્થી આંદોલન પર થયેલા જીવલેણ દમનના કેસમાં તેમને ગેરહાજરીમાં મૃત્યુદંડની સજા ફટકારી હતી. જોકે, શેખ હસીનાએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે.
અવામી લીગ પર પ્રતિબંધ લાગ્યા બાદ હસીનાનું આ નિવેદન બાંગ્લાદેશના રાજકીય પરિપ્રેક્ષ્યમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. તેમના વતન પરત ફરવાના નિર્ણયથી દેશની રાજનીતિમાં ફરી ઉથલપાથલ સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

