Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home ›Religion › મુંબઈ આવેલી પ્રિયંકા સિદ્ધિવિનાયકના દર્શને પહોંચી

મુંબઈ આવેલી પ્રિયંકા સિદ્ધિવિનાયકના દર્શને પહોંચી

By Ramesh Parmar August 12, 2026 Religion
Share:

ગુલાબી સલવાર સૂટમાં ચાહકોનું અભિવાદન

મુંબઈ: શ્વવિખ્યાત ગ્લોબલ આઇકોન અને બોલિવૂડ-હોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસ હાલમાં મુંબઈની મુલાકાતે છે. આ દરમિયાન તેણે પોતાની પિતરાઈ બહેન મન્નારા ચોપરા સાથે મુંબઈના વિશ્વપ્રસિદ્ધ શ્રી સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લઈને વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાના ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા હતા. આ ખાસ પ્રસંગે પ્રિયંકા ટ્રેડિશનલ ગુલાબી સલવાર સૂટ અને વાદળી રંગના દુપટ્ટામાં ખૂબ જ સુંદર અને પરંપરાગત લુકમાં નજરે પડી હતી.

કડક સુરક્ષા અને ચાહકોની ભારે ભીડ
સિદ્ધિવિનાયક મંદિર ખાતે પ્રિયંકા ચોપરાની મુલાકાતને પગલે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. કડક સુરક્ષા ઘેરા વચ્ચે તેણે મંદિરના પ્રાંગણમાં પ્રવેશ કર્યો હતો. ગ્લોબલ સ્ટારની એક ઝલક મેળવવા માટે મંદિર પરિસરમાં ચાહકો અને પેપરાઝીઓની ભારે ભીડ જામી હતી. દર્શન કરીને બહાર નીકળતી વખતે પ્રિયંકાએ સ્મિત સાથે હાથ હલાવીને ત્યાં હાજર તમામ ચાહકો અને ફોટોગ્રાફર્સનું અભિવાદન સ્વીકાર્યું હતું.

ભારતમાં શૂટિંગ દરમિયાન મંદિર દર્શનનો નિયમ
ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરા જ્યારે પણ ભારતમાં શૂટિંગ કે કામ અર્થે આવે છે ત્યારે વિવિધ શહેરોના પ્રખ્યાત અને પવિત્ર મંદિરોની મુલાકાત ચોક્કસ લે છે. તાજેતરમાં પંજાબમાં પોતાની ફિલ્મના શૂટિંગ દરમિયાન તેણે અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ (સુવર્ણ મંદિર) ની મુલાકાત લીધી હતી, જ્યાં તેણે વાસણ ધોવાની સેવા પણ આપી હતી. આ સિવાય અગાઉ તેણે પોતાના પતિ નિક જોનાસ અને પુત્રી માલતી સાથે અયોધ્યામાં શ્રી રામમંદિરના દર્શન પણ કર્યા હતા.

સોશિયલ મીડિયા પર દર્શનની ચર્ચા
સિદ્ધિવિનાયક મંદિર દર્શન દરમિયાન પ્રિયંકાની સાથે તેની પુત્રી માલતી દેખાઈ નહોતી. બાપ્પાના આશીર્વાદ લીધા બાદ પ્રિયંકા પોતાની કારમાં બેસીને રવાના થઈ ગઈ હતી. મીડિયા અહેવાલ અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પ્રિયંકાના આ ધાર્મિક અંદાજ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના પ્રેમના સોશિયલ મીડિયા પર તેના ચાહકો દ્વારા ખૂબ જ વખાણ થઈ રહ્યા છે.

Ad