NEET વિવાદ અને વિરોધ પ્રદર્શન વચ્ચે દિલ્હીમાં મોટો નિર્ણય, ઉચ્ચ શિક્ષણ સચિવ બદલાયા
કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) દ્વારા કેન્દ્રીય વહીવટીતંત્રમાં ઉચ્ચ સ્તરે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 1994ની બેચના રાજસ્થાન કેડરના IAS અધિકારી નરેશપાલ ગંગવારની શિક્ષણ મંત્રાલય હેઠળના ઉચ્ચ શિક્ષણ વિભાગ (Department of Higher Education)ના સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ વિનીત જોશીનું સ્થાન લેશે, જેમની બદલી પંચાયતી રાજ વિભાગના સચિવ તરીકે કરવામાં આવી છે.

IAS અધિકારી નરેશપાલ ગંગવાર
શિક્ષણ અને આર્થિક ક્ષેત્રે બહોળો અનુભવ
નરેશ પાલ ગંગવાર શૈક્ષણિક રીતે ટેકનિકલ અને આર્થિક ક્ષેત્રનું બહોળું જ્ઞાન ધરાવે છે. તેમણે યુનિવર્સિટી ઓફ રૂરકીમાંથી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં B.Tech, IIT દિલ્હીમાંથી કોમ્યુનિકેશન અને રડાર એન્જિનિયરિંગમાં M.Tech તથા રાજસ્થાન યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સમાં M.A. કર્યું છે. પોતાના લાંબા વહીવટી કરિયરમાં તેમણે રાજસ્થાન સરકારમાં શાળા શિક્ષણ, ઊર્જા, કૃષિ, ઉદ્યોગ અને માહિતી ટેકનોલોજી જેવા અનેક મહત્ત્વના વિભાગોમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ સિવાય, તેમણે જયપુર ડિસ્કોમના ચેરમેન અને રાજસ્થાન સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના CMD તરીકે પણ સેવાઓ આપી છે.
નોંધનીય છે કે, 2010થી 2014 દરમિયાન નેશનલ સોલર મિશનના પ્રારંભિક તબક્કામાં રાજસ્થાનની સોલર એનર્જી પોલિસી ઘડવામાં તેમણે ખૂબ જ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
પર્યાવરણ મંત્રાલયનો અનુભવઉચ્ચ શિક્ષણ વિભાગમાં આવ્યા પહેલા ગંગવાર પશુપાલન અને ડેરી વિભાગમાં સચિવ તરીકે સેવા આપી રહ્યા હતા. આ ઉપરાંત, તેઓ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી તરીકે પણ કામ કરી ચૂક્યા છે, જ્યાં તેમણે પ્રદૂષણ નિયંત્રણ અને જોખમી પદાર્થોના વ્યવસ્થાપનની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી હતી.

