Health Alert: વારંવાર બ્લડ ટેસ્ટ કરાવવાની આદત હોય તો આટલું જાણવું જરૂરી છે

શું તમે પણ વાત-વાતમાં વારંવાર બ્લડ ટેસ્ટ કરાવો છો? જાણો બિનજરૂરી રક્ત પરીક્ષણથી સ્વાસ્થ્ય પર થતી આડઅસરો, તણાવ અને તબીબી નિષ્ણાતોનો મહત્વપૂર્ણ અભિપ્રાય.
આજકાલ થોડો થાક લાગે એટલે વિટામિન B12, થોડું વજન વધે એટલે થાઇરોઇડ કે પછી ફિટનેસ માટે બજારમાં મળતા ફેન્સી ‘હેલ્થ પેકેજ’ લઈને ડઝનેક બ્લડ ટેસ્ટ કરાવી લેવાનો ક્રેઝ વધ્યો છે. પરંતુ શું દરેક નાની-મોટી બાબતમાં રક્ત પરીક્ષણ (Blood Test) કરાવવું ખરેખર જરૂરી છે? તબીબી નિષ્ણાતોના મતે, વગર વિચારે અને વારંવાર કરાવવામાં આવતા બ્લડ ટેસ્ટ ફાયદાના બદલે શરીર અને ખિસ્સા બંનેને નુકસાન પહોંચાડી શકે છે.
સામાન્ય બોર્ડરલાઇન રિપોર્ટ અને માનસિક તણાવ
કોઈપણ લેબોરેટરી રિપોર્ટમાં કોઈ એક વેલ્યૂ (Value) સામાન્ય રેન્જ કરતાં થોડી ઉપર કે નીચે આવવી એ સ્વાભાવિક છે. તેનાથી ગભરાઈ જવાની જરૂર હોતી નથી, કારણ કે દરેક નાનો ફેરફાર કોઈ ગંભીર બીમારીનો સંકેત નથી હોતો. પરંતુ લોકો ગભરાટમાં આવીને બિનજરૂરી ડૉક્ટર વિઝિટ, વધુ નવા ટેસ્ટ અને દવાઓની ચક્કરમાં પડી જાય છે. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા મુજબ “કોઈપણ બ્લડ ટેસ્ટ વ્યક્તિના લક્ષણો, મેડિકલ હિસ્ટ્રી અને રિસ્ક ફેક્ટર્સના આધારે જ થવો જોઈએ. સ્પષ્ટ કારણ કે ડૉક્ટરની સલાહ વિના વારંવાર ટેસ્ટ કરાવવાનું ટાળવું જોઈએ.”
લોકો કયા ટેસ્ટ જરૂર કરતાં વધુ વખત કરાવે છે?
હેલ્થ એક્સપર્ટ કહે છે કે લોકો સામાન્ય રીતે સોશિયલ મીડિયામાંથી માહિતી લઈ ટેસ્ટ બિનજરૂરી રીતે વારંવાર કરાવતા હોય છે. જેમાં વિટામિન ડી (Vitamin D) અને વિટામિન બી૧૨ (Vitamin B12), થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ (Thyroid Function Test), HbA1c (ડાયાબિટીસ માટે) કોલેસ્ટ્રોલ / લિપિડ પ્રોફાઇલ અને સંપૂર્ણ રક્ત ગણતરી (CBC)સહિતના બ્લડ ટેસ્ટ કરાવવા ડોક્ટરની સલાહ નથી લેતા. જો તમને પહેલાંથી કોઈ બીમારી ન હોય, દવામાં કોઈ ફેરફાર ન થયો હોય કે નવાં લક્ષણો ન દેખાયા હોય, તો આ ટેસ્ટનું વારંવાર પુનરાવર્તન કરવાથી કોઈ વિશેષ ફાયદો થતો નથી.
વારંવાર બ્લડ ટેસ્ટ કરાવવાના ગેરફાયદા
વારંવાર બ્લડ ટેસ્ટ કરાવવાો ત્યારે તેની સોય વાગવાથી સોજો, ઉઝરડા કે નસોમાં બળતરા થઈ શકે છે. સતત લોહી લેવાને કારણે, ખાસ કરીને મહિલાઓમાં, એનિમિયા (લોહીની ટકાવારી ઘટવી) નું જોખમ વધી જાય છે. રિપોર્ટમાં થોડા ફેરફારથી માનસિક તણાવ વધે છે અને બિનજરૂરી ખર્ચ થાય છે.
સ્વસ્થ વ્યક્તિએ કેટલા ટેસ્ટ કરાવવો જોઈએ?
નિષ્ણાતોના મતે, જો કોઈ પુખ્ત વ્યક્તિ સંપૂર્ણપણે સ્વસ્થ હોય અને તેને કોઈ લક્ષણો ન હોય, તો દર ૧ થી ૩ વર્ષે એકવાર રૂટીન ચેકઅપ પૂરતું છે. CBC, બ્લડ સુગર, લિપિડ પ્રોફાઇલ, કિડની ફંક્શન ટેસ્ટ અને જરૂર હોય તો લીવર કે થાઇરોઇડ ટેસ્ટ. રક્ત પરીક્ષણ ઉપરાંત બ્લડ પ્રેશર (BP), વજન અને હેલ્ધી લાઈફસ્ટાઈલનું નિયમિત મૂલ્યાંકન કરવું પણ એટલું જ જરૂરી છે. સારાં સ્વાસ્થ્યની ચાવી વધુ ને વધુ ટેસ્ટ કરાવવામાં નથી, પરંતુ યોગ્ય સમયે અને ડૉક્ટરની સલાહ મુજબ સાચો ટેસ્ટ કરાવવામાં છે. બિનજરૂરી તપાસ પાછળ દોડવાને બદલે સંતુલિત આહાર અને યોગ્ય જીવનશૈલી અપનાવવી વધુ હિતાવહ છે.

