Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home ›Health › ફેફસાંનું કેન્સર માત્ર ધૂમ્રપાન કરનાર વ્યક્તિઓને જ થાય છે એ વાત ખોટી છે : ઓન્કોલોજિસ્ટ્સ

ફેફસાંનું કેન્સર માત્ર ધૂમ્રપાન કરનાર વ્યક્તિઓને જ થાય છે એ વાત ખોટી છે : ઓન્કોલોજિસ્ટ્સ

By Rajshree V August 11, 2026 Health
Share:

પર્યાવરણ, આનુવંશિકતા અને વ્યવસાય સાથે જોડાયેલા અનેક પરિબળો ધૂમ્રપાન ન કરનારાઓમાં પણ ફેફસાંના કેન્સરનું જોખમ વધારી શકે છે.

મુંબઈ,: ફેફસાંના કેન્સરનું નામ સાંભળતાં જ મોટાભાગના લોકોના મનમાં ધૂમ્રપાનનો વિચાર આવે છે. જોકે તમાકુનું સેવન ફેફસાંના કેન્સરનું એક મોટું જોખમકારક પરિબળ છે, પરંતુ ક્યારેય ધૂમ્રપાન ન કરનાર લોકોને પણ આ બીમારી થઈ શકે છે. પર્યાવરણ, આનુવંશિકતા અને વ્યવસાય સાથે જોડાયેલા અનેક પરિબળો ધૂમ્રપાન ન કરનારાઓમાં પણ ફેફસાંના કેન્સરનું જોખમ વધારી શકે છે.

મુંબઈના ઘાટકોપર સ્થિત ઝિનોવા શાલ્બી હોસ્પિટલનાં કન્સલ્ટન્ટ થોરેસિક સર્જન અને સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. પ્રિયા એશપુનિયાણીએ એક મુલાકાતમાં ફેફસાંના કેન્સરના કેટલાક ઓછા જાણીતા જોખમી પરિબળો તથા એવા ચેતવણીરૂપ લક્ષણો અંગે માહિતી આપી, જેને અવગણવા ન જોઈએ.

ધૂમ્રપાન ન કરનારાઓને ફેફસાંનું કેન્સર કેમ થઈ શકે?

ડૉ. એશપુનિયાણીના જણાવ્યા મુજબ, ધૂમ્રપાન ન કરનારાઓ પણ એવા અનેક પરિબળોના સંપર્કમાં આવી શકે છે, જે ફેફસાંના કેન્સરનું જોખમ વધારી શકે છે.

પેસિવ સ્મોકિંગ: અન્ય લોકોના સિગારેટ કે બીડીના ધુમાડાના સતત સંપર્કમાં રહેવાથી પણ ફેફસાંના કેન્સરનું જોખમ નોંધપાત્ર રીતે વધી શકે છે.

વાયુ પ્રદૂષણ: હવામાં રહેલા સૂક્ષ્મ કણો અને ઝેરી પ્રદૂષકોના લાંબા સમયના સંપર્કથી શ્વસનતંત્રને નુકસાન થઈ શકે છે.

ઘરની અંદરના ઝેરી તત્ત્વો: ઘરમાં પૂરતું વેન્ટિલેશન ન હોવું, રેડોન ગેસ, રસોઈ દરમિયાન નીકળતો ધુમાડો અને બાયોમાસ ઇંધણનો ઉપયોગ ફેફસાંના સ્વાસ્થ્યને અસર કરી શકે છે.

વ્યાવસાયિક જોખમ: કાર્યસ્થળે ઔદ્યોગિક રસાયણો, એસ્બેસ્ટોસ, આર્સેનિક અથવા ડીઝલના ધુમાડાના નિયમિત સંપર્કમાં આવવાથી જોખમ વધી શકે છે.

ફેફસાંની અગાઉથી રહેલી બીમારીઓ: ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD) અથવા પલ્મોનરી ફાઇબ્રોસિસ જેવી લાંબા સમયની બીમારીઓ ધરાવતા લોકોમાં જોખમ વધારે હોઈ શકે છે.

Heridity: પરિવારમાં ફેફસાંના કેન્સરનો ઇતિહાસ હોય તો વ્યક્તિમાં આ બીમારી થવાની સંભાવના છે.

ફેફસાંના કેન્સરના કયા લક્ષણોને અવગણવા નહીં?

ડૉ. એશપુનિયાણીએ જણાવ્યું કે ધૂમ્રપાન ન કરનાર લોકો પોતાને ફેફસાંના કેન્સરનું જોખમ નથી એવું માનતા હોવાથી શ્વસન સંબંધિત લક્ષણોને ઘણી વખત ગંભીરતાથી લેતા નથી. આવા લક્ષણોને સીઝનલ એલર્જી, સામાન્ય શરદી અથવા નાના ઇન્ફેશન તરીકે પણ ધ્યાન આપવામાં આવતું નથી

તેમણે નીચેના લક્ષણો પર ખાસ ધ્યાન આપવાની સલાહ:

  • લાંબા સમય સુધી ચાલુ રહેતી અને મટતી ન હોય તેવી ઉધરસ
  • કોઈ સ્પષ્ટ કારણ વગર છાતીમાં દુખાવો અથવા ભારેપણું
  • શ્વાસ લેતી વખતે વ્હિસલ જેવો અવાજ અથવા અવાજમાં કર્કશતા
  • રોજિંદી પ્રવૃત્તિ દરમિયાન શ્વાસ લેવામાં તકલીફ
  • વારંવાર થતું છાતીમાં ઇન્ફેક્શન, જેમ કે બ્રોન્કાઇટિસ અથવા ન્યુમોનિયા
  • કોઈ કારણ વગર વજન ઘટવું અને ભૂખ ઓછી લાગવી
  • સતત થાક લાગવો તેમજ કાયમ નબળાઈ અનુભવવી

ડૉ. એશપુનિયાણીએ સલાહ આપી કે જો ઉધરસ અથવા શ્વાસ સંબંધિત કોઈ તકલીફ થોડા અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલુ રહે, તો તરત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. તેમના જણાવ્યા મુજબ, રોગનું વહેલું નિદાન થાય તો સારવારના પરિણામો અને દર્દીના જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે.

Ad