ટોક્સિક ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ધમાકેદાર રીતે
યશના ડાર્ક અવતારની ચર્ચા, બોક્સ ઓફિસ પર ધમાકેદાર વાપસી

બેંગલુરુ:કન્નડ સિનેમાના સુપરસ્ટાર અને ‘રોકી ભાઈ’ તરીકે જાણીતા અભિનેતા યશની બહુચર્ચિત ફિલ્મ ‘ટોક્સિક’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર યુટ્યુબ પર આવતાની સાથે જ સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ્સ પર વાયરલ થઈ ગયું છે. ‘કેજીએફ ૨’ ની અભૂતપૂર્વ સફળતા બાદ યશના આ નવા અને ડાર્ક અવતારને જોઈને ચાહકોમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જબરદસ્ત એક્શન અને રોમાન્સનું મિશ્રણ
ફિલ્મ ‘ટોક્સિક’ના ટ્રેલરમાં હાઈ-ઓક્ટેન એક્શન સિકવન્સ અને સસ્પેન્સની ભરપૂર ઝલક જોવા મળે છે. ફિલ્મમાં યશ સાથે કિયારા અડવાણી, તારા સુતારિયા, નયનતારા, રૂક્મિણી વસંત અને હુમા કુરેશી જેવી સક્ષમ અભિનેત્રીઓ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. ટ્રેલરમાં યશ અને તેમની ગર્લ ગેંગ વચ્ચેની કેમેસ્ટ્રી તથા એક્શન સીન અદભુત રજૂ કરવામાં આવ્યા છે.
લાંબા સમય પછી પર્દા પર વાપસી
વર્ષ ૨૦૨૨માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કેજીએફ ૨’ બાદ યશ મોટા પર્દા પર જોવા મળ્યા નહોતા, જેથી દર્શકો આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. પહેલા આ ફિલ્મને માર્ચ મહિનામાં રિલીઝ કરવાનું આયોજન હતું, પરંતુ સંજોગો અને અન્ય મોટા પ્રોજેક્ટ્સની ટક્કરને કારણે રિલીઝ તારીખ આગળ વધારવામાં આવી હતી. હવે આ બિગ બજેટ ફિલ્મ ૨૬ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં ગ્રાન્ડ રિલીઝ માટે તૈયાર છે.
આગામી ધમાકા અને બોક્સ ઓફિસ અપેક્ષાઓ
મીડિયા અહેવાલ મુજબ, આ ફિલ્મ સિવાય પણ યશ નિતેશ તિવારીની પૌરાણિક ફિલ્મ ‘રામાયણ’માં રાવણનો મહત્વપૂર્ણ અભિનય કરતા જોવા મળશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ‘ટોક્સિક’ ફિલ્મનું ટ્રેલર જોયા બાદ બોક્સ ઓફિસ પર કમાણીના નવા રેકોર્ડ સર્જાવાની પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

