એક્ટ ઈસ્ટ નીતિ’ હેઠળ ભારત-આસિયાન સંબંધો વધુ મજબૂત બનશે: એસ .જયશંકર

નવી દિલ્હી: વિદેશ મંત્રી એસ. જયશંકરે શનિવારે 59મા આસિયાન દિવસ નિમિત્તે આસિયાનના સભ્ય દેશોને શુભેચ્છા પાઠવી અને ભારત-આસિયાન ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે ભારતની ‘એક્ટ ઈસ્ટ નીતિ’ના માર્ગદર્શન હેઠળ ભારત અને આસિયાન વચ્ચેના સંબંધો સતત વિસ્તરી રહ્યા છે.
જયશંકરે જણાવ્યું કે બંને પક્ષો વચ્ચે કનેક્ટિવિટી, વેપાર, ડિજિટલ જોડાણ, મજબૂત સપ્લાય ચેઇન, સંરક્ષણ, શિક્ષણ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન સહિતના ક્ષેત્રોમાં સહકાર વધુ ગાઢ બની રહ્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત-આસિયાન સંબંધો ભવિષ્યમાં વધુ વ્યાપક અને મહત્વાકાંક્ષી બનશે તથા સમગ્ર ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિમાં યોગદાન આપશે.
ઉલ્લેખનીય છે કે જુલાઈમાં જયશંકરે મનીલામાં યોજાયેલી ‘આસિયાન પોસ્ટ-મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ વિથ ઈન્ડિયા 2026’ની સહ-અધ્યક્ષતા કરી હતી. તેમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારત અને આસિયાન વચ્ચે ભાગીદારી તથા સહકાર વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા થઈ હતી.
આસિયાનની સ્થાપના 8 ઓગસ્ટ, 1967ના રોજ પાંચ દેશો દ્વારા કરવામાં આવી હતી. હવે તેમાં 11 દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશો સામેલ છે, જેમાં તિમોર-લેસ્તે તાજેતરમાં 11મો સભ્ય બન્યો છે. આ વર્ષે આસિયાન દિવસની ઉજવણી ‘નેવિગેટિંગ અવર ફ્યુચર, ટુગેધર’ થીમ હેઠળ કરવામાં આવી રહી છે.
ભારત અને આસિયાન વચ્ચે 1992માં સેક્ટોરલ ડાયલોગ સંબંધો શરૂ થયા હતા અને 2022માં આ સંબંધોને ‘કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ના સ્તરે લઈ જવાયા હતા. હાલમાં બંને પક્ષો વેપાર, રોકાણ, પ્રવાસન, કનેક્ટિવિટી, કૃષિ, ઊર્જા, ટેક્નોલોજી, શિક્ષણ અને સાંસ્કૃતિક ક્ષેત્રે સહયોગ કરી રહ્યા છે

