ઘરઆંગણે આર્થિક મોરચે દબાણના લીધે અમેરિકી પ્રમુખ ટ્રમ્પને ડીલની ફરજ પડી શકે

- હોર્મુઝને લઈ ઇરાન સાથે ડીલ કરવા ટ્રમ્પે સમાધાન કરવું પડે તેવી શક્યતા
- અમેરિકાના સતત હુમલા છતાં પણ ઇરાન હોર્મુઝ પર અંકુશની વાતને લઈને હજી ટસનું મસ થતું નથી
વોશિંગ્ટન : હોર્મુઝ ખોલવા માટે ઇરાન સાથેડીલ કરવા અમેરિકન પ્રમુખ ટ્રમ્પે પ્રચલિત માગો પરથી અલગ જ ચીલો ચાતરવો પડે તેમ છે તો જ આ સમાધાન શક્ય થાય તેમ છે. રિપબ્લિકન પ્રમુખ માટે આ મુદ્દે કોઈપણ પ્રકારની રાહત અત્યંત આકરો નિર્ણય છે. નબળું અર્થતંત્ર અને ઇરાન સાથેના યુદ્ધમાં શસ્ત્રોનો જથ્થો ખૂટી ગઈ હોવાનો સતત ઇન્કાર કરતાં રહેલા ટ્રમ્પ માટે હોર્મુઝમાં ઇરાનને રાહત અત્યંત કપરો નિર્ણય છે.
અહીં સૌથી મહત્ત્વનો મુદ્દો હોર્મુઝ પર અંકુશનો છે. વિશ્વનો ઓઇલનો ૨૦ ટકા પુરવઠો આ માર્ગે પસાર થાય છે. અમેરિકા-ઇરાન બંનેનું કહેવું છે કે ડીલ હાથવેંતમાં છે. ટ્રમ્પ તંત્રએ પર્સિયન ગલ્ફના આ જળમાર્ગ પર ઇરાનનો અંકુશ રહે તેવી કોઈ સંભાવના નકારી કાઢી છે, તેમા તેહરાન દ્વારા ફી વસૂલવાનો પણ સમાવેશ થાય છે.
જ્યારે સામેની બાજુ ઇરાન સતત હોર્મુઝ પર અંકુશની વાત કરી રહ્યુ છે. તેનું સ્પષ્ટ કહેવું છે કે હોર્મુઝનો જળમાર્ગ યુદ્ધ પહેલાં હતો તેવો જળમાર્ગ નહીં રહે. અમેરિકાના હુમલા છતાં ઇરાન હજી પણ ડ્રોન અને મિસાઇલો વડે હુમલા કરવા સક્ષમ છે. તેના લીથે કોમર્સિયલ શિપિંગ અટવાઈ ગયું છે.
ટ્રમ્પ વહીવટીતંત્રના પ્રથમ કાર્યકાળમાં અમેરિકાના વિદેશ વિભાગમાં અધિકારી રહી ચૂકેલા ડેવિડ શેન્કરે જણાવ્યું હતું કે વધતું જતું આર્થિક મોરચે વધતું જતું દબાણ ટ્રમ્પને હોર્મુઝના મુદ્દે સમાધાન કરવાની ફરજ પાડી શકે. પછી ભલેને તેની વૈશ્વિક વેપાર પર વિપરીત અસર પડે. આ દરમિયાન ટ્રમ્પે સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે અમેરિકન લશ્કર પાસે પૂરતા પ્રમાણમાં શસ્ત્રો છે અને શસ્ત્રોના જથ્થાને લઈને ખોટી માહિતી લીક કરનારાને જેલમાં મોકલવાની ધમકી આપી હતી.
જ્યોર્જ બુશના વહીવટીતંત્રમાં કામ કરી ચૂકેલા કોહેને જણાવ્યું હતું કે ટ્રમ્પે વિશ્વના વિજેતા અને પરાજીતોમાં વિભાજીત કરી દીધું છે. હવે તે પોતાની જાતને લૂઝર તરીકે જોઈ શકે તેમ જ નથી. તેમના માટે લૂઝર તરીકેની ઇમેજની સ્થિતિ પણ અસહ્યનીય છે. ટ્રમ્પ સતત જણાવી રહ્યા છે કે હોર્મુઝની ખાડી શિપિંગ માટે ખુલ્લી છે. તેની સાથે તેમણે નિર્દેશ કર્યો હતો કે ઇરાનના બંદરને નૌકાદળે ઘેરાબંધી કરેલી છે. ગયા સપ્તાહમાં ઓછામાં ઓછા માંડ બે જહાજ પર હોર્મુઝમાં હુમલો થયો હતો. જ્યારે કુલ ૮૪ જહાજ પસાર થયા હતા. અગાઉના સપ્તાહે ૪૫ જહાજ પસાર થયા હતા.

