ગુજરાતના લક્ઝરી રિયલ એસ્ટેટમાં બચ્ચન પરિવારની એન્ટ્રી, શ્રી લોટસ ડેવલપર્સ સાથે કરાર

લોટસ ડેવલપર્સ સાથે કરાર, 10 લાખ ચોરસ ફૂટમાં લક્ઝરી રેસિડેન્સી, કોમર્શિયલ ઓફિસ, રિટેલ અને સર્વિસ્ડ એપાર્ટમેન્ટ્સ બનશે
ગાંધીનગર: બચ્ચન પરિવાર હવે ગુજરાતના લક્ઝરી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પ્રવેશી રહ્યો છે. ગિફ્ટ સિટી નજીક બચ્ચન પરિવારની આશરે 23,000 ચોરસ મીટર જમીન પર રૂ. 2,000થી 2,200 કરોડના ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યૂવાળો અલ્ટ્રા-લક્ઝરી મિક્સ્ડ-યૂઝ પ્રોજેક્ટ વિકસાવવામાં આવશે. આ માટે બચ્ચન પરિવારે મુંબઈના ડેવલપર અને ફિલ્મ પ્રોડ્યુસર આનંદ પંડિતની શ્રી લોટસ ડેવલપર્સ એન્ડ રિયલ્ટી લિ. સાથે કરાર કર્યો છે.
જાન્યુઆરી 2026માં નોંધાયેલા આ કરારમાં અભિષેક બચ્ચન પક્ષકાર છે. પ્રોજેક્ટનું બાંધકામ 2027-28માં શરૂ કરી 2031 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. પ્રોજેક્ટનું નિર્માણ લોટસ ડેવલપર્સની નવી પેટાકંપની રાઈઝ રૂટ પ્રોજેક્ટ્સ પ્રા. લિ. દ્વારા કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ આશરે 10 લાખ ચોરસ ફૂટમાં વિકસાવાશે. તેમાં અલ્ટ્રા-લક્ઝરી રહેણાંક એકમો ઉપરાંત A-ગ્રેડ કોમર્શિયલ ઓફિસો, પ્રીમિયમ રિટેલ સ્પેસ અને સર્વિસ્ડ એપાર્ટમેન્ટ્સનો સમાવેશ થશે. અગાઉ 2022માં આ જ જમીન પર માત્ર બે 25 માળના રહેણાંક ટાવર બનાવવાની યોજના હતી, પરંતુ હવે પ્રોજેક્ટનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે.
પ્રોજેક્ટ ‘એसेટ-લાઇટ’ અને ‘પ્રોફિટ-શેરિંગ’ મોડેલ પર આધારિત રહેશે. જમીનની માલિકી બચ્ચન પરિવાર પાસે જ રહેશે, જ્યારે ડેવલપર ડિઝાઇન, મંજૂરી, બાંધકામ અને વેચાણની કામગીરી સંભાળશે. પ્રોજેક્ટમાંથી થનારો નફો બંને પક્ષો વચ્ચે નક્કી કરાયેલા હિસ્સા પ્રમાણે વહેંચાશે.
લોટસ ડેવલપર્સના ચેરમેન-એમડી આનંદ પંડિતે જણાવ્યું કે પ્રોજેક્ટની વિગતો રાજ્ય સરકારની મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે. મંજૂરી મળ્યા બાદ નવેમ્બર અથવા ડિસેમ્બરમાં પ્રોજેક્ટની કામગીરી શરૂ થવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચને લોટસ ડેવલપર્સના પ્રી-IPOમાં આશરે રૂ.10 કરોડનું રોકાણ કર્યું છે. અભિનેતા શાહરૂખ ખાન અને હૃતિક રોશન પણ કંપનીના પ્રી-IPO રોકાણકારોમાં સામેલ છે.

