Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home ›Gujarat › આણંદઃ પૂર્વ ડેપ્યુટી કલેક્ટર કેતકી વ્યાસની ACB દ્વારા ધરપકડ બાદ નવો ઘટસ્ફોટ, 68% વધુ સંપત્તિ

આણંદઃ પૂર્વ ડેપ્યુટી કલેક્ટર કેતકી વ્યાસની ACB દ્વારા ધરપકડ બાદ નવો ઘટસ્ફોટ, 68% વધુ સંપત્તિ

By Rajshree V August 13, 2026 Gujarat
Share:

અમદાવાદમાં કેતકી વ્યાસની ધરપકડ: આણંદના તત્કાલીન ડેપ્યુટી કલેક્ટર કેતકી વ્યાસની એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલકત રાખવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. એસીબી દ્વારા વર્ષ 2023થી શરૂ કરાયેલી તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમાં કેતકી વ્યાસ પાસે તેમના કાયદેસરના પગાર કરતાં 68.84 ગણી વધુ એટલે કે 3 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. આ કરોડોની વધારાની સંપત્તિ અંગે તેઓ એજન્સી સમક્ષ કોઈ જ ઘટસ્ફોટ કરી શક્યા ન હતા. સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા તેમની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવતા એસીબીએ કાર્યવાહી તેજ કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મદદથી લોકેશન ટ્રેસ કરીને, શેલા વિસ્તારમાં આવેલી તેમની બહેનના ઘરે છુપાયેલા કેતકી વ્યાસની એસીબીએ ધરપકડ કરાઈ હતી.

પિતા અને માતાના નામે મિલકતોનું સામ્રાજ્ય ઊભું કર્યું

એસીબીની તપાસ અનુસાર, કેતકી વ્યાસે પદનો દુરુપયોગ કરી મેળવેલા રૂપિયાથી પોતાની અને ખાસ કરીને પોતાના માતા-પિતાના નામે મોટાભાગની સંપત્તિઓ વસાવી છે. તેની મિલકતોમાં બોડકદેવના શિવાલિક લીગસી અને સાયન્સ સિટી રોડ પર આલીશાન ફ્લેટ, ત્રાગડ ખાતે એક બંગલો અને વિરમગામમાં એક દુકાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે અલગ-અલગ વાહનો પણ ખરીદ્યા છે અને અંદાજિત 24 જેટલા બેન્ક એકાઉન્ટમાં મોટી રકમ જમા કરી છે. કાળી કમાણીને કાયદેસર દર્શાવવા માટે તેણે વિરમગામમાં કર્મકાંડ અને બુક સ્ટોલ ચલાવતા પિતાની સૌથી વધુ આવક બતાવી હતી. આજે (13મી ઓગસ્ટ) એસીબી દ્વારા તેના બોડકદેવ સ્થિત ફ્લેટનું પંચનામું કરી વધુ સર્ચ ઓપરેશન હાથ ધરાશે.

કેતકી વ્યાસની સરકારી કારકિર્દી પર નજર કરીએ તો, તે વર્ષ 2001માં ચીફ ઓફિસર તરીકે સરકારી સેવામાં જોડાઈ હતી. ત્યારબાદ વર્ષ 2005માં મામલતદાર અને આગળ જતા નાયબ મામલતદારથી લઈને એડિશનલ કલેક્ટર સુધીના પ્રમોશન મેળવ્યા હતા. જોકે, હોદ્દા સાથે તેણે પગારની આવક સામે જમીન, મકાન અને વાહનોનું મોટું સામ્રાજ્ય ઊભું કરી દીધું. નોંધનીય છે કે, કેતકી વ્યાસના પતિ પણ ભાસ્કર વ્યાસ પોલીસ વિભાગમાં છે અને હાલમાં પોરબંદર ખાતે ડીવાયએસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે.

10 વર્ષમાં રસોડા ખર્ચ પેટે બેંકમાંથી માત્ર 1590 ઉપાડ્યા!

આ મામલે ACBના DySP હરેશ મેવાડાએ જણાવ્યું કે, ‘આણંદ ખાતે ફરજ બજાવતા તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર કેતકીબહેન વ્યાસ સામે અપ્રમાણસર મિલકત મેળવી હોવાની અરજી મળતા, અમે સામાન્ય વહીવટ વિભાગ પાસેથી મંજૂરી મેળવીને 2023માં તપાસ શરૂ કરી હતી. તે વર્ષ 2001ની બેચમાં ચીફ ઓફિસર તરીકે જોડાયા બાદ જીપીએસસી પાસ કરીને 2005ની આસપાસ મામલતદાર બન્યા હતા. ત્યારબાદ નાયબ કલેક્ટર તથા અધિક કલેક્ટર તરીકે પ્રમોશન મેળવ્યું હતું. તેની કાયદેસરની કુલ આવક 5 કરોડ 17 લાખ રૂપિયા જેટલી થાય છે. જેની સામે તેમની પાસે 68.84% એટલે કે 3 કરોડ 56 લાખ રૂપિયાની વધારાની સંપત્તિ મળી આવી છે, જેનો તે કોઈ સંતોષકારક ઘટસ્ફોટ આપી શક્યા નથી. અમે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 13એબી અને 13બી મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.’

સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટે પણ તેની આગોતરા જામીન અરજી નામંજૂર કરી દીધી હોવાથી, સમયસર ચાર્જશીટ અને ટ્રાયલ માટે તેની ધરપકડ જરૂરી હતી. ગઈકાલે સાંજે અમે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચની મદદથી લોકેશન ટ્રેસ કરીને શેલા ગામ ખાતે રહેતા તેમની બહેનના ઘરેથી તેમની ધરપકડ કરી છે.

કેતકી વ્યાસના પરિવારના કુલ 24 બેન્ક ખાતાઓ અમને તપાસ દરમિયાન મળ્યા છે. સરકારી કર્મચારીઓ માટે નક્કી થયેલા સિદ્ધાંત મુજબ રસોડા પાછળ પગારના 30% ખર્ચ થવો જોઈએ, પરંતુ 2012-13થી 2022-23 સુધીના 10 વર્ષના ચેક પિરિયડમાં તેમણે 78 લાખનો પગાર મેળવ્યો હોવા છતાં રસોડા ખર્ચ પેટે બેન્કમાંથી ફક્ત 1590 રૂપિયાનો જ રોકડ ઉપાડ કર્યો છે, જે મોટી શંકા ઉપજાવે છે. આ આખો કેસ બેન્ક વ્યવહારો, પ્રોપર્ટી દસ્તાવેજ, શેરબજાર, પોસ્ટ અને એલઆઈસી વીમા પોલિસીઓ જેવા દસ્તાવેજી પુરાવાઓ પર આધારિત છે.

Ad