શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સથી ઢાકા નારાજ થયું
ભારતની ભૂમિ પરથી સંબોધનને લઈને વિવાદ

નવી દિલ્હી : બાંગ્લાદેશનાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીના દ્વારા ભારતમાં રહીને કરવામાં આવેલી વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ અને તેમાં સ્વદેશ પરત જવાની જાહેરાતને લઈને પડોશી દેશમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. આ મામલે બાંગ્લાદેશની વચગાળાની સરકારે સખત વિરોધ નોંધાવ્યો છે, જ્યારે ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે આ પ્રેસ કોન્ફરન્સ સાથે ભારત સરકારને કોઈ જ લેવાદેવા નથી. તેમ છતાં ઢાકા તરફથી વિરોધ યથાવત રાખવામાં આવ્યો છે.
બાંગ્લાદેશના વિદેશ મંત્રાલય દ્વારા તીવ્ર શબ્દોમાં એક નિવેદન જારી કરવામાં આવ્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પદભ્રષ્ટ વડાપ્રધાનને ભારતની ભૂમિ પરથી પત્રકારોને સંબોધવાની છૂટ આપવા અને સવલતો પૂરી પાડવા સામે તેમને વાંધો છે. આ ઘટનાક્રમના કારણે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો સુધારવાની પ્રક્રિયામાં મોટો અવરોધ ઊભો થયો છે અને ત્યાંની જનતામાં પણ નારાજગી ફેલાઈ છે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શેખ હસીનાએ બાંગ્લાદેશની વર્તમાન સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા અને ફરીથી સ્વદેશ જવાનો દઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ અંગે ઢાકાના વિદેશ મંત્રાલયે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હત્યારા સાબિત થયેલા ભાગેડુને આ પ્રકારનું મંચ મળવું યોગ્ય નથી. જોકે, આ વિવાદ વચ્ચે પણ બાંગ્લાદેશી મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે તેમનો દેશ ભારત સાથે રચનાત્મક અને પરસ્પર લાભદાયી સંબંધો જાળવી રાખવા માટે હજુ પણ પ્રતિબદ્ધ છે.
મીડિયા અહેવાલ મુજબ, આંતરરાષ્ટ્રીય વિશ્લેષકોનું માનવું છે કે તાજેતરમાં તિસ્તા નદીના જળની વહેંચણી અને ચિકન-નેક કોરિડોર જેવા વ્યૂહાત્મક મુદ્દાઓ પર ભારતના અત્યંત મક્કમ વલણને કારણે બાંગ્લાદેશી તંત્ર પર દબાણ વધ્યું છે. બંને રાષ્ટ્રો વચ્ચે પરસ્પર આદર, સાર્વભૌમ સમાનતા અને આંતરિક બાબતોમાં અહસ્તક્ષેપના સિદ્ધાંતોના આધારે આગામી સમયમાં રાજકીય સંવાદ જાળવી રાખવા પર ભાર મૂકવામાં આવશે.

