Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home ›World › ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન પર આકરા પ્રહાર અને બેવડી ગેમનો દાવો

ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન પર આકરા પ્રહાર અને બેવડી ગેમનો દાવો

By Ramesh Parmar August 3, 2026 World
Share:

સ્ટ્રેટ ઓફ હોર્મોઝ અને પરમાણુ હથિયાર મામલે ટ્રમ્પની ચેતવણી

વૉશિંગ્ટન : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના નેતૃત્વ પર ફરી એકવાર અત્યંત આકરા પ્રહાર કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ઈરાન દુનિયાની સામે કંઈક અલગ નિવેદનો આપી રહ્યું છે અને પડદા પાછળ અમેરિકા સાથે વાતચીત કરવા માટે બેચેન છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે ઈરાનને કોઈપણ સંજોગોમાં પરમાણુ શસ્ત્રો બનાવવાની મંજૂરી આપવામાં નહીં આવે. આ સાથે જ સ્ટ્રેટ ઓફ હોર્મોઝ જળમાર્ગ પર અમેરિકી નૌસેનાનું સંપૂર્ણ વર્ચસ્વ હોવાનું જણાવીને ટ્રમ્પે ઈરાનના દાવાઓને ફગાવી દીધા છે, જેના કારણે બંને દેશો વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.

જાહેરમાં ના અને ખાનગીમાં બેઠકની માંગની નીતિ

ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાની નેતાઓ ખાનગી માધ્યમોથી અમેરિકા સાથે વાતચીત કરવા માટે આતુર છે, પરંતુ દુનિયા સમક્ષ એવું નાટક કરે છે કે બંને દેશો વચ્ચે કોઈ જ વાતચીત નથી ચાલી રહી. તેમણે ઈરાનના આ વલણને અત્યંત બેવડું ગણાવતા જણાવ્યું કે ઈરાની નેતાઓ પહેલા બેઠકની માંગ કરે છે, વાતચીતની રૂપરેખા પણ નક્કી થાય છે, પરંતુ ત્યારબાદ જાહેરમાં એવું નિવેદન આપે છે કે અમેરિકા સાથે કોઈ ચર્ચા નથી થઈ રહી અને તેઓ માત્ર ઓમાન સાથે જ ચર્ચા કરી રહ્યા છે. ટ્રમ્પના આ ખુલાસાથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મોટો હિલચાલ મચી ગઈ છે.

સ્ટ્રેટ ઓફ હોર્મોઝ પર અમેરિકાનો દબદબો

મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મોઝ અંગે વાત કરતા ટ્રમ્પે મોટો દાવો કર્યો છે કે ઈરાન સતત આ જળમાર્ગ પર પોતાના નિયંત્રણના દાવા કરે છે, પરંતુ હકીકતમાં ત્યાં અમેરિકી નૌસેનાની મજબૂત નાકેબંધી અને પૂર્ણ દબદબો છે. ટ્રમ્પે ઉમેર્યું કે જ્યાં સુધી કોઈ સ્થાયી કરાર ન થાય અથવા ઈરાન સંપૂર્ણપણે નમી ન જાય, ત્યાં સુધી અમેરિકાની મંજૂરી વગર કોઈપણ સામાન કે જહાજ ઈરાનની અંદર કે બહાર જઈ શકશે નહીં. આ નિવેદનથી ખાડી દેશોના જળમાર્ગો પર સુરક્ષાનું જોખમ અનેકગણું વધી ગયું છે.

ઈરાન દ્વારા સીધી વાતચીતનો સ્પષ્ટ ઇનકાર

અમેરિકી રાષ્ટ્રપ્રમુખના આ પ્રહારો સામે પ્રતિક્રિયા આપતા ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં ઈરાન અને અમેરિકા વચ્ચે કોઈ પણ પ્રકારની સીધી વાતચીત ચાલી રહી નથી. ઈરાન અત્યારે માત્ર ઓમાનની મધ્યસ્થી દ્વારા હોર્મોઝ માર્ગ પર જહાજોની સુરક્ષિત અવરજવર માટે માત્ર કામચલાઉ વ્યવસ્થા અંગે ચર્ચા કરી રહ્યું છે. ઈરાને એ પણ ઉમેર્યું કે જ્યાં સુધી અમેરિકા પોતાનું આક્રમક અને ધાકધમકીભર્યું વલણ બંધ નહીં કરે, ત્યાં સુધી વર્તમાન સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો સુધારો થવો શક્ય નથી.

Ad