Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home ›World › પાકિસ્તાનમાં શાંતિ રેલીમાં આત્મઘાતી હુમલો થયો, 14 લોકોના મોત

પાકિસ્તાનમાં શાંતિ રેલીમાં આત્મઘાતી હુમલો થયો, 14 લોકોના મોત

By Ramesh Parmar August 2, 2026 World
Share:

અઢારથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ

પેસાવર: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના સ્વાત જિલ્લામાં રવિવારે એક પોલીસ સ્ટેશનના ગેટ પાસે આતંકવાદ વિરુદ્ધ ચાલી રહેલી શાંતિ રેલી દરમિયાન ભયાનક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં ચૌદ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે અને અઢારથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ધમાકા બાદ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને તમામ ઘાયલોને નજીકની સૈદૂ શરીફ ટીચિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મીડિયા અહેવાલ અનુસાર, સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને તાત્કાલિક સીલ કરી દીધો છે અને હાઈ એલર્ટ સાથે વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે, જોકે હજુ સુધી કોઈ આતંકી સંગઠને આ કાયરતાપૂર્ણ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, જે સમયે આ હુમલો થયો ત્યારે પોલીસ સ્ટેશન નજીકના કાબલ ચોક પર આતંકવાદ વિરુદ્ધ સ્થાનિક લોકોની શાંતિ રેલી ચાલી રહી હતી. રેલીમાં વક્તાનું ભાષણ ચાલી રહ્યું હતું ત્યારે જ એક અજ્ઞાત યુવક પોલીસ સ્ટેશનના ગેટ તરફ આગળ વધ્યો હતો. પોલીસકર્મીઓએ તેને રોકીને તલાશી લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે રોકાયો નહોતો અને પોતાને બોમ્બથી ઉડાવી દીધો હતો, જેના કારણે ભીષણ વિસ્ફોટ થયો અને રેલીમાં નાસભાગ મચી ગઈ હતી.

વિરોધાભાસ અને આતંકી હિંસામાં વધારો

ખાસ વાત એ છે કે સ્વાત વિસ્તારમાં સતત વધી રહેલી આતંકવાદી ઘટનાઓ સામે જ સ્થાનિક લોકો રવિવારે રસ્તા પર ઉતર્યા હતા અને સરકાર પાસે કાયમી શાંતિની માંગ કરી રહ્યા હતા. પ્રદર્શનકારીઓનો આક્ષેપ હતો કે વહીવટીતંત્ર સામાન્ય નાગરિકો પર કડકાઈ કરે છે પરંતુ પહાડી વિસ્તારોમાં આતંકવાદીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. આ પ્રાંતમાં છેલ્લા કેટલાક સમયથી આતંકવાદી પ્રવૃત્તિઓમાં ભારે ઉછાળો આવ્યો છે અને આતંકી હિંસાથી થતા મોતમાં મોટો વધારો નોંધાયો છે.

Ad