‘ભાજપ વતી ચૂંટણી લડવાની ફરી ભૂલ નહીં કરું….’, દિગ્ગજ IPS કિરણ બેદીનો ‘મોહભંગ’
કાનપુરની મુલાકાતે આવેલા ભારતના પ્રથમ મહિલા IPS અધિકારી કિરણ બેદીએ રાજકારણમાં વાપસી મુદ્દે સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું કે, “હું BJPમાંથી ચૂંટણી લડવાની ભૂલ ફરી ક્યારેય નહીં કરું.” 77મા જન્મદિને ‘ભારત સ્કિલ એક્સચેન્જ’ સ્ટાર્ટઅપ શરૂ કરનાર કિરણ બેદીએ કાનપુરની નવી હવાઈ સેવાની પ્રશંસા કરી અને સાયબર ક્રાઈમ સામે જાગૃતિ પર ભાર મૂક્યો.

કાનપુરઃ 20 જુલાઇઃ ભારતના પ્રથમ મહિલા આઇપીએસ (IPS) અધિકારી અને પૌંડિચેરીના પૂર્વ ઉપરાજ્યપાલ કિરણ બેદી રવિવારે કાનપુરની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં કાનપુર રોટેરિયન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપતી વખતે તેમણે પત્રકારો સાથે વાતચીતમાં અનેક રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ દરમિયાન રાજકારણમાં વાપસી અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “હું ભારતીય જનતા પાર્ટી (BJP) માંથી ચૂંટણી લડવાની ભૂલ હવે ફરી ક્યારેય નહીં કરી શકું.”
CJP અને સોનમ વાંગચુકના આંદોલન પર ‘નો કોમેન્ટ’
સંસદ માર્ચ કરી રહેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) અને સોનમ વાંગચુકના ભૂખ હડતાળ આંદોલન અંગે પૂછવામાં આવેલા સવાલોનો જવાબ આપવાનું કિરણ બેદીએ ટાળ્યું હતું. તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, “હું આ લોકોને ફોલો જ નથી કરતી, તેથી આ વિષય પર મારી કોઈ ટિપ્પણી નથી.”
કાનપુર એર સર્વિસ અને સાયબર ક્રાઇમ અંગે મંતવ્ય
પોતાના પ્રવાસ દરમિયાન કિરણ બેદીએ કાનપુરની નવી હવાઈ સેવાના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, “અગાઉ દિલ્હીથી લખનૌ ફ્લાઇટમાં આવ્યા બાદ ખરાબ રસ્તાઓ પર કાર ચલાવીને કાનપુર આવવું પડતું હતું, પરંતુ આ વખતે દિલ્હીથી કાનપુરની સીધી ફ્લાઇટ મળતાં પ્રવાસ ખૂબ જ આરામદાયક રહ્યો.” સાયબર ક્રાઇમ અંગે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે શિક્ષણ અને જાગૃતિ દ્વારા જ ગુનાખોરીથી બચી શકાય છે, કારણ કે ચોરનું કામ ચોરી કરવાનું છે પરંતુ પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી આપણી છે.
77મા જન્મદિને શરૂ કર્યું ‘ભારત સ્કિલ એક્સચેન્જ‘
જીવનના આ તબક્કે દેશના વિકાસમાં યોગદાન આપવા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે, તેમણે પોતાના 77મા જન્મદિને ‘ભારત સ્કિલ એક્સચેન્જ’ નામે એક નવું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. દેશના યુવાનોમાં સ્કીલ ડેવલપમેન્ટની ભારે જરૂરિયાત હોવાથી તેમણે આ ક્ષેત્રે કામ કરવાનું બીડું ઝડપ્યું છે.
જિમખાના ક્લબ વિવાદ પર વ્યક્ત કરી હતી નારાજગી
આ અગાઉ દિલ્હી જિમખાના ક્લબને ખાલી કરાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે પણ કિરણ બેદીએ આકરો અસંતોષ વ્યક્ત કર્યો હતો. એક ઇન્ટરવ્યુમાં પોતાની જૂની યાદો તાજી કરતાં તેમણે કહ્યું હતું કે, “જ્યારે મેં બેદખલીનો આદેશ સાંભળ્યો ત્યારે મને એવું લાગ્યું કે જાણે કોઈ મને મારા જ ઘરમાંથી બહાર ફેંકી રહ્યું હોય. 14 વર્ષની ઉંમરે જ્યારે હું ટેનિસ ટુર્નામેન્ટ રમવા દિલ્હી આવતી ત્યારથી આ ક્લબ સાથે મારો ભાવનાત્મક નાતો રહ્યો છે.”

