પેરુમાં 5.1ની તીવ્રતાનો ભૂકંપ : 5નાં મોત, 32 ઘાયલ, અનેક મકાનો ધરાશાયી

લીમા, પેરુના મધ્ય ભાગમાં આવેલા જુનિન (Junín) વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોનાં મોત થયા છે, જ્યારે 32 લોકો ઘાયલ થયા છે. ઉપરાંત લગભગ 200થી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા હોવાનું પેરુના અધિકારીઓએ જણાવ્યું છે.
પ્રાદેશિક ઇમરજન્સી સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર ભૂકંપની અસર જુનિન વિસ્તારમાં હળવાથી મધ્યમ સ્તરે અનુભવાઈ હતી. બચાવ અને રાહત કામગીરી માટે 250થી વધુ પોલીસ કર્મચારીઓ, 50થી વધુ સ્વયંસેવક અગ્નિશામક જવાનો તેમજ સેનાના જવાનોને તાત્કાલિક તહેનાત કરવામાં આવ્યા છે. ટીમો શોધખોળ, બચાવ કામગીરી, અસરગ્રસ્તોને મદદ અને નુકસાનગ્રસ્ત વિસ્તારોને સુરક્ષિત કરવાની કામગીરીમાં વ્યસ્ત છે.
રાષ્ટ્રપતિ-ચૂંટાયેલાં કેઇકો ફુજીમોરીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે અને રાહત કાર્ય માટે તમામ જરૂરી સંસાધનો ઉપલબ્ધ કરાવવાની અપીલ કરી છે.
પેરુના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર એલ કાર્મેન પ્રાદેશિક માતા અને બાળ હોસ્પિટલના બાળ સઘન સારવાર વિભાગ (PICU)માં માળખાકીય તિરાડો પડી છે. ઉપરાંત ડેનિયલ અલ્સિડેસ કેરિયન નેશનલ હોસ્પિટલ અને ચુપુરો હેલ્થ સેન્ટરને પણ નુકસાન પહોંચ્યું છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 48 મકાનો સંપૂર્ણપણે ધરાશાયી થયા છે અને અન્ય નુકસાનનું મૂલ્યાંકન ચાલુ છે.
ઊર્જા અને ખાણ મંત્રાલયે જણાવ્યું કે ભૂકંપ બાદ શરૂઆતમાં 61 હજારથી વધુ વીજ ગ્રાહકોનોપુરવઠો ખોરવાયો હતો, જેમાંથી મોટાભાગના વિસ્તારોમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી છે. જોકે રવિવાર સુધીમાં પણ 400થી વધુ ગ્રાહકો વીજ પુરવઠા વિના રહ્યા હતા.
વીજ વિતરણ કંપની ઇલેક્ટ્રોસેન્ટ્રોના જણાવ્યા અનુસાર ભૂકંપના કારણે હુઆન્કાયો, ચુપાકા અને આસપાસના વિસ્તારોમાં અનેક વીજ ફીડરો આપમેળે બંધ થઈ ગયા હતા. ત્યારબાદ ઇમરજન્સી ટીમોએ તાત્કાલિક કામગીરી શરૂ કરીને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

