‘જહાજો પર ભારતીયોને તહેનાત ન કરશો…’, યુદ્ધ વચ્ચે શિપિંગ કંપનીઓને સરકારનો કડક આદેશ
ભારત સરકારે હોર્મુઝની સામુદ્રધુનીમાં ભારતીય નાવિકોના મોત અને અમેરિકા-ઈરાન તણાવ બાદ કડક પગલું ભર્યું છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ મેરિટાઇમ એડમિનિસ્ટ્રેશન (DGMA) એ શિપિંગ કંપનીઓને આગામી આદેશ સુધી આ માર્ગ પર ભારતીય નાવિકોને તૈનાત ન કરવાની એડવાઇઝરી આપી છે. પશ્ચિમ એશિયામાં અત્યાર સુધીમાં 14 ભારતીયોના મોત થયા છે. ભારતીય નાવિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા આ નિર્ણય લેવાયો છે.

Avoid Deploying Indian Seafarers In Strait Of Hormuz : અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz)માં ભારતીય નાવિકોના મોતના પગલે હવે ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. સરકારે શિપિંગ કંપનીઓ માટે એક એડવાઇઝરી જાહેર કરીને કડક ચેતવણી આપી છે કે, આ માર્ગ પરથી પસાર થતા કોઈપણ જહાજ પર હાલમાં ભારતીય નાવિકોની તૈનાતી ન કરવામાં આવે. અમેરિકા અને ઈરાન વચ્ચે બગડતા સંબંધોને જોતા આ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.
ભારતમાં દરિયાઈ બાબતોની દેખરેખ રાખતી સંસ્થા, ડાયરેક્ટોરેટ જનરલ ઓફ મેરિટાઇમ એડમિનિસ્ટ્રેશન (DGMA)એ શિપ ઓનર્સ, શિપ મેનેજર્સ અને એજન્સીઓ માટે આ એડવાઇઝરી જાહેર કરી છે. આ અંતર્ગત સરકારે તમામ કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે, તેઓ આગામી આદેશ સુધી હોર્મુઝમાંથી પસાર થતા કોઈપણ જહાજ પર ભારતીય નાવિકોને તૈનાત કરવાનું સંપૂર્ણપણે ટાળે.
ભારતીય નાવિકોની સુરક્ષા સૌથી મોટી પ્રાથમિકતા
DGMAએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે, યુદ્ધ પ્રભાવિત આ ક્ષેત્રમાં કોમર્શિયલ જહાજો પર સતત થઈ રહેલા હુમલાઓને ધ્યાનમાં રાખીને ભારતીય નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. DGMAએ જણાવ્યું છે કે, સરકાર અખાતી દેશોમાં ઝડપથી બદલાતી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

