અમદાવાદ રથયાત્રા લાઇવ:સરસપુરમાં જગતના નાથનું ભવ્ય મામેરું ભરાયું, મોસાળમાં હજારો ભક્તોએ લીધો મહાપ્રસાદ!
આજે અષાઢી બીજના પવિત્ર દિવસે અમદાવાદમાં 149મી ભવ્ય રથયાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી રથમાં બિરાજી નગરચર્યાએ નીકળ્યા છે. જમાલપુર જગન્નાથ મંદિરથી શરૂ થયેલી આ યાત્રા વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ રહી છે.

Ahmedabad Rath Yatra 2026 Live : જય જગન્નાથ… આજે અષાઢી બીજ છે. સૂર્યોદય થતાની સાથે જ જગતના નાથ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી રથ પર સવાર થઈને નગરચર્યાએ નીકળી ગયા છે અને નગરજનોને અલૌકિક દર્શન આપી રહ્યા છે. ત્યારે આ 149મી રથયાત્રાની પળેપળની ખબર ગુજરાત સમાચાર ડિજિટલ તમારા સુધી પહોંચાડી રહ્યું છે. રથયાત્રાના અવસરે જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર રંગબેરંગી લાઈટથી ઝળહળી ઊઠ્યું છે. આ સાથે જ જય રણછોડ માખણ ચોરના જયઘોષ કરી રહ્યા છે. હજારો ભક્તો “જય રણછોડ માખણચોર”ના નાદ સાથે દર્શનનો લાભ લઈ રહ્યા છે.
રથયાત્રા અંદાજે 1:30 કલાકથી વધુ મોડી, ગજરાજ દરિયાપુર પહોંચ્યા
ભગવાન જગન્નાથની રથયાત્રા તેના નિયત સમય કરતાં અંદાજે દોઢ કલાકથી વધુ મોડી ચાલી રહી છે. યાત્રામાં આગળ ચાલતા ગજરાજો દરિયાપુર પહોંચી રહ્યા છે, જ્યારે સામાન્ય રીતે આ સમયે દરિયાપુર તરફ આગળ વધતા ત્રણેય રથો હજુ સરસપુરથી આગળ વધી રહ્યા છે.
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલભદ્રનું મામેરું ભરાયું
અમદાવાદની રથયાત્રામાં મોસાળ સરસપુર ખાતે પરંપરા મુજબ ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્રનું શ્રદ્ધાપૂર્વક ભવ્ય મામેરું ભરવામાં આવ્યું છે. આ પાવન અવસરે ઉપસ્થિત હજારો ભક્તોએ ભારે હર્ષોલ્લાસ સાથે પ્રભુના દર્શન કરી આ ક્ષણની ધન્યતા અનુભવી હતી.

રથયાત્રામાં ભક્તિ સાથે સ્વચ્છતાનો સંદેશ
ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા દરમિયાન ભક્તિ સાથે સ્વચ્છતાનો સંદેશ ફેલાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વિશેષ જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ નવતર પ્રયોગ અંતર્ગત રથયાત્રાના સમગ્ર રૂટ પર વિશિષ્ટ જનજાગૃતિ ટેબલો અને ‘4 બિન’ (ચાર રંગની કચરાપેટી)ના મેસ્કોટ રાખવામાં આવ્યા હતા.
આ આકર્ષક મેસ્કોટે નાના બાળકો સહિત લાખો ભક્તોનું ધ્યાન ખેંચ્યું હતું. મેસ્કોટે લોકોને જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અને કચરાનું યોગ્ય વર્ગીકરણ કરવા પ્રેરિત કર્યા હતા. ભક્તોએ આ પ્રયાસને વધાવીને મેસ્કોટ સાથે સેલ્ફી લીધી હતી, જેનાથી “સ્વચ્છ અમદાવાદ, સુંદર અમદાવાદ”નો સંદેશ લાખો લોકો સુધી અસરકારક રીતે પહોંચ્યો હતો.
રથયાત્રા ધીમી ગતિએ આગળ વધી
ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં ધીમી ગતિએ આગળ વધી રહી છે. યાત્રામાં સૌથી આગળ ચાલતા ગજરાજો મોસાળ સરસપુર ખાતે પહોંચી ચૂક્યા છે, જ્યારે બીજી તરફ પ્રભુના રથો જમાલપુર દરવાજો વટાવીને નગરચર્યા પર આગળ વધી રહ્યા છે.


