Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home ›Gujarat › ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાંથી 10.23 લાખના સર્જરી સાધનોની ચોરી થતા ફરિયાદ

ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાંથી 10.23 લાખના સર્જરી સાધનોની ચોરી થતા ફરિયાદ

By Rajshree V August 12, 2026 Gujarat
Share:

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી 10.23 લાખના ઓર્થોસ્કોપી સર્જરીના સાધનોની ચોરી થઈ છે. 3 મહિનાની આંતરિક તપાસ બાદ સેક્ટર-7 પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર સ્થિત સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદ અને સુરક્ષાના ગંભીર સવાલોના ઘેરાવામાં આવી છે. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં દર્દીઓના હાડકાં અને સાંધાના ઓપરેશન માટે વપરાતા અત્યાધુનિક ઓર્થોસ્કોપી સર્જરી સાધનોની રહસ્યમય રીતે ચોરી થઈ ગઈ છે. જપ્ત/ગુમ થયેલા આ તબીબી સાધનોની કિંમત રૂ. 10.23 લાખ જેટલી અંકાયી છે.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ચોરી

સાધનો ગુમ થયા હોવાની જાણ થતાં જ હોસ્પિટલ તંત્ર દ્વારા તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવવાને બદલે મામલો થાળે પાડવા અથવા આંતરિક કક્ષાએ શોધખોળ કરવા માટે એક વિશેષ ‘તપાસ કમિટી’ની રચના કરવામાં આવી હતી. છેલ્લા ૩ મહિનાથી આ કમિટી હોસ્પિટલના વિવિધ વિભાગો અને સ્ટાફની પૂછપરછ કરી રહી હતી, પરંતુ સાધનોનો કોઈ પત્તો ન મળતાં આખરે ચોરી થઈ હોવાનું નિષ્કર્ષ સામે આવ્યું હતું.આંતરિક તપાસ કમિટીના અહેવાલ બાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા આખરે સેક્ટર-7 પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસે રૂ. 10.23લાખના સાધનોની ચોરી અંગે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે.

ઓર્થોસ્કોપી સર્જરી સાધનોની ચોરી

ઓપરેશન થિયેટર જેવા સુરક્ષિત અને ચોક્કસ સ્ટાફની અવરજવર વાળા વિસ્તારમાંથી આટલા મોંઘા સાધનો ચોરાઈ જવા પાછળ કોઈ અંદરના જ સ્ટાફ કે જાણ ભેદુ વ્યક્તિની સંડોવણી હોવાની પોલીસને પ્રબળ આશંકા છે. સેક્ટર-7 પોલીસની ટીમે હોસ્પિટલના ઓપરેશન થિયેટર આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવી, સિક્યુરિટી ગાર્ડ્સ તેમજ છેલ્લા 3-4 મહિનામાં ફરજ બજાવનાર કર્મચારીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે.

Ad