Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home ›World › રશિયાએ ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ ચંદ્રચૂડને મોટી જવાબદારી વૈશ્વિક સ્તરે સોંપી

રશિયાએ ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ ચંદ્રચૂડને મોટી જવાબદારી વૈશ્વિક સ્તરે સોંપી

By Ramesh Parmar August 12, 2026 World
Share:

યુક્રેન સાથેના કરોડો ડૉલરનો કાનૂની વિવાદ

નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ (CJI) ડી.વાય. ચંદ્રચૂડને એક અત્યંત મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય જવાબદારી સોંપવામાં આવી છે. રશિયાએ યુક્રેનની સરકારી ‘ઓશાડબેંક’ સાથે ચાલી રહેલા કરોડો ડૉલરના રોકાણ વિવાદનો ઉકેલ લાવવા માટે તેમને પોતાના મધ્યસ્થ (આર્બિટ્રેટર) તરીકે પસંદ કર્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન બેંકને થયેલા ભારે આર્થિક નુકસાન અને તેના વળતરના દાવાઓ સાથે આ હાઈ-પ્રોફાઈલ કેસ જોડાયેલો છે.

ત્રણ સભ્યોની આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલ
‘ગ્લોબલ આર્બિટ્રેશન રિવ્યૂ’ના અહેવાલ મુજબ, આ જટિલ વિવાદની સુનાવણી માટે ત્રણ સભ્યોની એક વિશેષ ટ્રિબ્યુનલ બનાવવામાં આવી છે. બંને દેશોની સંમતિથી કોસ્ટા રિકાના પૂર્વ વેપાર મંત્રી ડિયાલા જિમેનેજને આ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ ટ્રિબ્યુનલમાં રશિયા તરફથી ભારતના પૂર્વ સીજેઆઈ ડી.વાય. ચંદ્રચૂડ અને યુક્રેનની ઓશાડબેંક તરફથી ગ્રીસના પ્રોફેસર સ્તાવરોસ બ્રેકૌલકિસ મધ્યસ્થ તરીકે સેવા આપશે.

શું છે કરોડો ડૉલરનો આ આંતરરાષ્ટ્રીય વિવાદ?
આ મધ્યસ્થતા પ્રક્રિયા રશિયા અને યુક્રેન વચ્ચે વર્ષ ૧૯૯૮માં થયેલી દ્વિપક્ષીય રોકાણ સંધિ હેઠળ શરૂ કરાઈ છે. ઓશાડબેંકનો દાવો છે કે ૨૦૨૨માં રશિયાના લશ્કરી હુમલાને કારણે ડોનેટ્સક, લુહાન્સ્ક, ખેરસાન અને ઝાપોરિઝિયા જેવા વિસ્તારોમાં તેની તમામ મિલકતો અને બિઝનેસ છીનવાઈ ગયા છે. આ નુકસાનના વળતર માટે બેંકે જુલાઈ ૨૦૨૫માં રશિયાને નોટિસ મોકલી હતી, પરંતુ રશિયા તરફથી યોગ્ય જવાબ ન મળતાં આ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અગાઉની ઓફર અને જસ્ટિસ ચંદ્રચૂડનું વલણ
નોંધનીય છે કે આ અગાઉ પણ રશિયાએ ‘વિન્ટર્સહૉલ ડીયા’ અને ‘ઉક્રેનર્ગો’ સાથેના વિવાદોમાં જસ્ટિસ ચંદ્રચૂડને મધ્યસ્થ બનવાની ઓફર કરી હતી, જે તેમણે સ્વીકારી નહોતી. બાદમાં આંતરરાષ્ટ્રીય અદાલતે (પર્મેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન) તેમને નિર્ણાયક અધિકારી બનાવ્યા ત્યારે તેમણે અગાઉની ઓફર વિશે સ્પષ્ટતા કરીને પોતાની જાતે જ તે ભૂમિકામાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. મીડિયા અહેવાલ અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, હવે આ નવા વિવાદમાં તેમની ભૂમિકા પર સમગ્ર વિશ્વની નજર રહેશે.

Ad