Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home ›World › બાંગ્લાદેશમાં દોડશે મેડ ઈન ઈન્ડિયા ટ્રેન

બાંગ્લાદેશમાં દોડશે મેડ ઈન ઈન્ડિયા ટ્રેન

By Ramesh Parmar August 12, 2026 World
Share:

કપૂરથલા રેલ કોચ ફેક્ટરીએ તૈયાર કર્યા 19 કોચ

નવી દિલ્હી: ભારતની રેલવે એન્જિનિયરિંગ અને વિશ્વસ્તરીય કોચ નિર્માણ ક્ષમતાનો લાભ હવે પડોશી દેશ બાંગ્લાદેશને મળવા જઈ રહ્યો છે. પંજાબના કપૂરથલા સ્થિત રેલ કોચ ફેક્ટરી (RCF) એ બાંગ્લાદેશ રેલવે માટે ૧૯ આધુનિક LHB કોચ ધરાવતી પહેલી રેક સફળતાપૂર્વક તૈયાર કરી લીધી છે. આ મેડ ઈન ઈન્ડિયા ટ્રેન ૧૨ ઓગસ્ટે બાંગ્લાદેશ માટે રવાના કરવામાં આવી છે, જે બંને દેશો વચ્ચેના મજબૂત રેલવે સહયોગનું પ્રતીક બની રહી છે.

19 કોચની રેક અને ખાસ સુવિધાઓ
બાંગ્લાદેશ માટે તૈયાર કરવામાં આવેલી આ પેસેન્જર રેકમાં તમામ ૧૯ LHB બ્રોડ ગેજ કોચ સામેલ છે. જેમાં AC સ્લીપર કોચ, ૩ AC ચેર કાર, ૧૧ નોન-AC ચેર કાર અને ૨ પાવર કારનો સમાવેશ થાય છે. મુસાફરોની આરામદાયક મુસાફરી માટે તેમાં ખાસ રિક્લાઈનર સીટો, સ્ટેનલેસ સ્ટીલના આર્મરેસ્ટ અને ફુટરેસ્ટ લગાવાયા છે. આ ઉપરાંત, પંખા, CCTV કેમેરા, પેસેન્જર અલાર્મ સિસ્ટમ, બેબી કેર રૂમ અને ખાસ પ્રાર્થના ખંડ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે.

સુરક્ષાના ધોરણો અને ટેકનિકલ ફેરફાર
બાંગ્લાદેશ રેલવેની જરૂરિયાતો મુજબ આ કોચમાં ખાસ ડિઝાઈન અને ટેકનિકલ બદલાવ કરવામાં આવ્યા છે. આ કોચની છતને મજબૂત બનાવવામાં આવી છે અને તે યુરોપિયન સ્ટાન્ડર્ડ EN 15227 અનુસાર દુર્ઘટના-સુરક્ષિત ડિઝાઈન પર આધારિત છે, જેથી ટક્કર વખતે મુસાફરો સુરક્ષિત રહે. ભારતીય રેલવેના સામાન્ય કોચમાં વપરાતી ૭૫૦ વોલ્ટ સિસ્ટમથી અલગ, આ કોચની ઈલેક્ટ્રિકલ સિસ્ટમ ૪૧૫ વોલ્ટના હિસાબે ડિઝાઈન કરાઈ છે.

ભારત-બાંગ્લાદેશ રેલ સહયોગની મજબૂત સફર
RCF અને બાંગ્લાદેશ રેલવે વચ્ચેનો આ સહયોગ ૨૦૧૫-૧૬ માં શરૂ થયો હતો, જ્યારે ૧૨૦ LHB કોચ મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ ૨૦૨૪ માં RITES મારફતે RCF ને ૨૦૦ બ્રોડ ગેજ કોચનો ઓર્ડર મળ્યો હતો. ૧૯ કોચની આ પહેલી રેક રવાના થવી એ ભારતીય રેલવે માટે મોટી ઉપલબ્ધિ છે. મીડિયા અહેવાલ અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ સફળતા ભારતની ઉત્કૃષ્ટ ડિઝાઈન, નિર્માણ ક્ષમતા અને આંતરરાષ્ટ્રીય સ્તરે રેલવે ક્ષેત્રે વધતી શાખને દર્શાવે છે.

Ad