હોર્મુઝ જળમાર્ગમાં ઈરાની મિસાઇલ હુમલો: ભારતીય નાવિકનું મોત, 6 ભારતીયો સહિત 8 ઘાયલ

નવી દિલ્હી, 15 જુલાઈ: પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે હોર્મુઝ જળમાર્ગમાં બે તેલ ટેન્કરો પર થયેલા ઈરાની મિસાઇલ હુમલામાં એક ભારતીય નાવિકનું મોત થયું છે, જ્યારે છ ભારતીયો સહિત કુલ આઠ નાવિકો ઘાયલ થયા છે. આ માહિતી સંયુક્ત આરબ અમીરાત (UAE)ના સંરક્ષણ મંત્રાલયે આપી છે.
UAEના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ‘મોમ્બાસા’ અને ‘અલ બહિયાહ’ નામના અમીરાતી તેલ ટેન્કરો ઓમાનના પ્રાદેશિક જળક્ષેત્રમાં હોર્મુઝ જળમાર્ગના દક્ષિણ શિપિંગ રૂટ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમના પર ઈરાન તરફથી બે ક્રૂઝ મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો હતો.
હુમલામાં ‘મોમ્બાસા’ ટેન્કર પર ફરજ બજાવતા એક ભારતીય ક્રૂ સભ્યનું મોત થયું હતું. ઉપરાંત કુલ આઠ લોકો ઘાયલ થયા હતા, જેમાં છ ભારતીય અને બે યુક્રેનિયન નાગરિકોનો સમાવેશ થાય છે. ઘાયલોમાંથી ચારની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.
મિસાઇલ હુમલાના કારણે બંને ટેન્કરોમાં આગ લાગી હતી. જોકે બાદમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
UAEએ હુમલાની નિંદા કરી
UAEના સંરક્ષણ મંત્રાલયે આ હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ગંભીર ઉલ્લંઘન ગણાવી તેની કડક નિંદા કરી છે. મંત્રાલયે જણાવ્યું કે આ હુમલો પ્રાદેશિક સુરક્ષા અને સ્થિરતા માટે ગંભીર ખતરો છે.
UAEએ સ્પષ્ટ કર્યું છે કે દેશ પોતાની સંપ્રભુતા, સુરક્ષા અને રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે જરૂરી તમામ પગલાં ભરવાનો અધિકાર ધરાવે છે અને કોઈપણ ખતરાનો સામનો કરવા સંપૂર્ણપણે તૈયાર છે.
ગેલેક્સી જહાજ પર હુમલા બાદ બીજી ઘટના
આ હુમલો એવા સમયે થયો છે જ્યારે માત્ર બે દિવસ પહેલાં જ સાયપ્રસના ધ્વજવાળા GFS Galaxy કન્ટેનર જહાજ પર પણ ઈરાની હુમલો થયો હતો, જેમાં એક ભારતીય નાવિક ગુમ થયો હતો. તે ઘટનામાં અન્ય 10 ભારતીય નાવિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.
ભારતે વ્યક્ત કરી ચિંતા
ભારતના વિદેશ મંત્રાલયે વેપારી જહાજો પર થતા સતત હુમલાઓ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને પશ્ચિમ એશિયામાં વધતા તણાવને ઘટાડવા માટે તાત્કાલિક રાજદ્વારી પ્રયાસો અને સંવાદ શરૂ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
ભારતે જણાવ્યું છે કે હોર્મુઝ જળમાર્ગમાં વધતી અસ્થિરતાની અસર ભારતના તેલ, ગેસ અને ખાતરની આયાત પર પડી રહી છે. તેથી વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જળવાય તે ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

