શાહરુખ ખાને લગ્ન બાદ ગૌરી સાથે રહેેલા દિલ્હીના ઘરનો સંપૂર્ણ કબજો મેળવ્યો
₹37 કરોડમાં ખરીદ્યા બાકીના બે માળ

નવી દિલ્હી: બોલિવૂડના સુપરસ્ટાર Shah Rukh Khanએ દક્ષિણ દિલ્હીના પોશ વિસ્તાર પંચશીલ પાર્કમાં આવેલું પોતાનું ભાવનાત્મક મહત્વ ધરાવતું ઘર સંપૂર્ણપણે પોતાના નામે કરી લીધું છે. અભિનેતાએ આ રહેણાંક મિલકતના બીજા અને ત્રીજા માળ અંદાજે ₹37 કરોડમાં ખરીદ્યા, જેના બાદ હવે સમગ્ર ઇમારતના એકમાત્ર માલિક બની ગયા છે.
અહેવાલ મુજબ, શાહરુખ પહેલેથી જ આ બિલ્ડિંગનો બેઝમેન્ટ અને પ્રથમ માળ ધરાવતા હતા. હવે બાકીના બે માળની ખરીદી પૂર્ણ થતાં સમગ્ર મિલકત તેમના કબજામાં આવી ગઈ છે.
આ ઘર શાહરુખ અને Gauri Khan માટે ખાસ લાગણીસભર છે. વર્ષ 1991માં લગ્ન બાદ દંપતીએ પોતાના વૈવાહિક જીવનની શરૂઆત આ જ ઘરમાં કરી હતી. ત્યારબાદ શાહરુખ ફિલ્મી કારકિર્દી બનાવવા મુંબઈ ગયા અને ત્યાં જ સ્થાયી થયા.
અહેવાલ અનુસાર, આ મિલકત લગભગ 1,200 ચોરસ ગજ (આશરે 10,800 ચોરસ ફૂટ) વિસ્તારમાં ફેલાયેલી છે. સમગ્ર સોદાની કિંમત અંદાજે ₹37 કરોડ છે, જ્યારે જમીનની અંદાજિત કિંમત લગભગ ₹34,260 પ્રતિ ચોરસ ફૂટ હોવાનું જણાવાયું છે.
ગૌરી ખાને જણાવ્યું હતું…
ગૌરી ખાને અગાઉ એક મુલાકાતમાં દિલ્હીના આ ઘર વિશે વાત કરતાં કહ્યું હતું કે, “આ ઘર મારી માટે માત્ર એક પ્રોપર્ટી નથી, પરંતુ અમારી તમામ યાદોનું ઘર છે. હું દિલ્હીમાં મોટી થઈ છું, તેથી મારી માતાના ઘરની નજીક એક એવું ઘર બનાવવાનું વિચાર્યું, જ્યાં પરિવાર સાથે જોડાયેલી તમામ યાદો અને વર્ષો દરમિયાન એકત્ર કરેલી વસ્તુઓ એક જ છત નીચે રહી શકે.”
તેમણે વધુમાં કહ્યું હતું કે, પરિવાર સાથેની ક્ષણો, બાળકોની યાદો અને શાહરુખ સાથે વિતાવેલા જીવનના અનેક સંસ્મરણોને સાચવવા માટે આ ઘર તેમની માટે અત્યંત વિશેષ છે.

