યુવાનોની ચિંતાઓ વાસ્તવિક છે અને લોકશાહીમાં વિરોધ પ્રદર્શન સંવાદનું એક સ્વરૂપ છે: ભાગવત

કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દિપકેએ ગયા મહિને NEET-UG પેપર લીકના મુદ્દે રસ્તા પર ઉતરેલા છાત્રોને વિરોધ પ્રદર્શનને લઈને ટીકાકારો પર કટાક્ષ કર્યો છે. RSSના વડા મોહન ભાગવતે Gen Z વિદ્યાર્થીઓના વિરોધને સમર્થન આપતાં તેમને રાષ્ટ્રવિરોધી ન ગણવા જોઈએ એવું નિવેદન આપ્યાના એક દિવસ બાદ દિપકેની આ ટિપ્પણી સામે આવી છે.
દિપકેએ આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભાગવતના નિવેદન સાથેની પોસ્ટને શેર કરતાં ટૂંકમાં લખ્યું, “To whom it may concern…” એટલે કે “જેમને લાગુ પડે છે તેમને…”. તેમના આ કટાક્ષને ભાજપના કેટલાક નેતાઓ તરફ નિશાન સાધતા નિવેદન તરીકે જોવામાં આવી રહ્યું છે.
મુંબઈમાં 6 ઓગસ્ટે યોજાયેલા કાર્યક્રમમાં RSS વડા મોહન ભાગવતે કહ્યું હતું કે માત્ર વિરોધ પ્રદર્શન કરવાથી Gen Zને રાષ્ટ્રવિરોધી કહી શકાય નહીં. તેમણે કહ્યું કે યુવાનોની ચિંતાઓ વાસ્તવિક છે અને લોકશાહીમાં વિરોધ પ્રદર્શન પણ સંવાદનું એક સ્વરૂપ છે.
ભાગવતે કહ્યું હતું કે આજની Gen Z અગાઉની પેઢીઓથી અલગ છે. આજના યુવાનો દરેક વાતને સ્વીકારી લેવાને બદલે તેના પાછળનું તર્ક અને યોગ્ય કારણ જાણવા માગે છે. તેમણે કહ્યું, “Gen Z આપણા પોતાના બાળકો છે. જો તેઓ કોઈ મુદ્દે વિરોધ કરે છે તો તેઓ રાષ્ટ્રવિરોધી કેવી રીતે બની શકે? તેમની ચિંતાઓ સાંભળવી જોઈએ.”
તેમણે ઉમેર્યું કે લોકશાહીમાં વિરોધ કરવામાં કંઈ ખોટું નથી, પરંતુ તેનો ઉપયોગ સમાજમાં ભાગલા પાડવા માટે ન થવો જોઈએ. ભારતની શિક્ષણ નીતિમાં સુધારાની જરૂરિયાત હોવાનું જણાવતાં તેમણે આ અંગે ચર્ચાની જરૂરિયાત પણ વ્યક્ત કરી હતી.
વિદ્યાર્થીઓના વિરોધને લઈને વિવાદ
CJPના નેતૃત્વ હેઠળ દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન શરૂ થયા બાદ અને પરીક્ષા સુધારાની માંગ સાથે સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે ભૂખ હડતાળ શરૂ કર્યા બાદ ભાજપના કેટલાક નેતાઓએ આ આંદોલનની ટીકા કરી હતી.
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ દાવો કર્યો હતો કે “વિદેશી તાકાતોએ વિદ્યાર્થીઓના આક્રોશને હાઇજેક કરી લીધો છે અને હવે રાષ્ટ્રવિરોધી તાકાતો આ આંદોલન ચલાવી રહી છે.”
જૂનમાં તેલંગાણામાં એક પક્ષીય કાર્યક્રમ દરમિયાન ભાજપના અધ્યક્ષ નિતિન નવીને પણ વિરોધ પ્રદર્શનને લઈને ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે “વાયરસ અને કોકરોચ જેવી પાર્ટીઓ દેશમાં આવી રહી છે. આ લોકો દેશને અંદરથી ખોખલો કરવા માગે છે.” દરમિયાન, દિલ્હીમાં વિરોધ પ્રદર્શનના મુખ્ય કેન્દ્રમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે થયેલી અથડામણની તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા કથિત બળપ્રયોગના આરોપોને લઈને પણ ભારે વિરોધ થયો હતો. અધિકારીઓનું કહેવું છે કે વિદ્યાર્થીઓનું આંદોલન શરૂઆતમાં સ્વાભાવિક હતું, પરંતુ કેટલાક હિતસાધુ જૂથો અને ગુનાહિત ભૂતકાળ ધરાવતા લોકો તેમાં ઘૂસી ગયા હોવાની પણ તપાસ કરવામાં આવી રહી છે.

