મોજતબા ખામેનેઈની તબિયત લાલચોળ અતિ ગંભીર બની
ઈરાનના સર્વોચ્ચ નેતા હોસ્પિટલમાં દાખલ, ઇઝરાયલી મીડિયાના રિપોર્ટથી સનસનાટી

તેહરાન: પશ્ચિમ એશિયાના તણાવપૂર્ણ માહોલ વચ્ચે ઈરાનથી એક અત્યંત સનસનાટીભર્યા અને આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. ઇઝરાયલી મીડિયાના અહેવાલો મુજબ ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈની શારીરિક સ્થિતિ અત્યંત નાજુક બની જતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વિદેશી મીડિયા સંગઠનો અને ઇઝરાયલી સુત્રોના દાવો છે કે તેમની સ્થિતિ અતિ ગંભીર છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે અટકળો અને રાજકીય ગરમાવો વધી ગયો છે.
જાહેરમાં ન દેખાતાં વધતી અટકળો
ફેબ્રુઆરી ૨૦૨૬માં થયેલા સૈન્ય હુમલા બાદ ઈરાનના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલી ખામેનઈના અવસાન પછી મોજતબાએ દેશની કમાન સંભાળી હતી. જોકે, પદભાર સંભાળ્યા બાદ તેઓ ક્યારેય જાહેરમાં સમક્ષ આવ્યા નથી. તેઓ માત્ર પોતાના વિશ્વાસુ મધ્યસ્થીઓ દ્વારા જ લિખિત આદેશો પાઠવી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભૂતકાળના હુમલામાં તેઓ પોતે પણ ગંભીર રીતે ઘાયલ થયા હોઈ શકે છે.
રાજકીય અનિશ્ચિતતા અને પ્રશાસનિક કટોકટી
અમેરિકા અને ઇઝરાયલના મિશ્રિત દાવાઓ વચ્ચે ઈરાનના આંતરિક રાજકારણમાં ભારે અનિશ્ચિતતા જોવા મળી રહી છે. દેશના પ્રમુખ મેઝેશ્કીયાનના નિવેદન બાદ સર્વોચ્ચ નેતાની વાસ્તવિક સ્થિતિ પર અનેક પ્રશ્નાર્થો ઊભા થયા છે. વર્તમાન સંજોગોમાં ઈરાનની વાસ્તવિક સત્તા અને યુદ્ધ રણનીતિનું સંચાલન કોણ કરી રહ્યું છે તે અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે.
આંતરરાષ્ટ્રીય સમુદાયની તીક્ષ્ણ નજર
મીડિયા અહેવાલ મુજબ, ઇઝરાયલી અખબારો અને ન્યૂઝ ચેનલો ઈરાનના આંતરિક વર્તુળોને ટાંકીને દાવો કરી રહી છે કે આગામી સમયમાં કોઈ પણ આકસ્મિક સમાચાર સામે આવી શકે છે. ઈરાની સત્તાવાળાઓ દ્વારા આ અહેવાલો પર સત્તાવાર સ્પષ્ટતા કરવાનું ટાળવામાં આવી રહ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પ્રદેશમાં બદલાતા આ ભૂ-રાજકીય સંજોગો પર વિશ્વના તમામ શક્તિશાળી દેશો પોતાની ખાસ નજર રાખી રહ્યા છે.

