મુંબઈમાં IIMUNના કાર્યક્રમમાં RSS પ્રમુખ મોહન ભાગવત Gen Z ના છાત્રોને સંબોધશે, આદિત્ય ઠાકરેએ કર્યો કટાક્ષ

આમંત્રણ સ્વિકારવા બદલ IIMUN ના સ્થાપકે મોહન ભાગવતનો આભાર માન્યો (ANI Photo)
મુંબઈ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવત મુંબઈમાં યોજાનારા ‘ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ મૂવમેન્ટ ટુ યુનાઇટ નેશન્સ’ (IIMUN)*ના 15મા સ્થાપના વર્ષના કાર્યક્રમમાં Gen Zના વિદ્યાર્થીઓને સંબોધશે. આ કાર્યક્રમ દરમિયાન તેમની યુવાનો સાથે સીધી વાતચીત પણ યોજાશે.
અખબારી યાદી અનુસાર, આ કાર્યક્રમ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે યોજાનારી IIMUNની વાર્ષિક ચેમ્પિયનશિપ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે યોજાશે. સમારંભમાં દેશભરની વિવિધ શાળાઓના 2,000થી વધુ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ હાજરી આપશે.
કાર્યક્રમમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓની ઉંમર 15થી 19 વર્ષ વચ્ચે હશે. આ વર્ષની કોન્ફરન્સની મુખ્ય થીમ “ધ રોલ ઓફ યુથ ઇન યુનાઇટિંગ ધ વર્લ્ડ, ધ ઇન્ડિયન વે“ રાખવામાં આવી છે. સમગ્ર કોન્ફરન્સ દરમિયાન વિદ્યાર્થીઓ સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા અને વિચારવિમર્શ કરશે.
IIMUNના સ્થાપક ઋષભ શાહે મોહન ભાગવતનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, “આજના સમયમાં યુવાનો સાથે આવો સંવાદ પહેલાં કરતાં વધુ જરૂરી બની ગયો છે.”
દરમિયાન શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે) ના નેતા આદિત્ય ઠાકરેએ સોશિયલ મીડિયા પર કટાક્ષ કરતાં કહ્યું કે અચાનક સૌને Gen Z અને Gen Alpha સાથે વાત કરવાની યાદ આવી છે. તેમણે પ્રશ્ન કર્યો કે વિદ્યાર્થી આંદોલનો દરમિયાન પોલીસ કાર્યવાહી, ધરપકડ અને બળપ્રયોગ સામે આ નેતાઓ ક્યાં હતા?
આદિત્ય ઠાકરેએ કહ્યું, “જ્યારે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ થયો, ટિયર ગેસ છોડવામાં આવ્યો, મહિલાઓ સાથે દુર્વ્યવહાર થયો અને શાંતિપૂર્ણ વિરોધ કરવા જતા વિદ્યાર્થીઓને અટકાવવામાં આવ્યા, ત્યારે આ લોકો ક્યાં હતા? તે સમયે તેમણે આગળ આવીને તેમનું સમર્થન કેમ ન કર્યું?” ઉલ્લેખનીય છે કે Gen Zમાં વર્ષ 1997થી 2012 દરમિયાન જન્મેલા લોકોનો સમાવેશ થાય છે, જ્યારે Gen Alphaમાં વર્ષ 2013થી 2025 દરમિયાન જન્મેલા બાળકોનો સમાવેશ થાય છે.

