Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home ›World › પાકિસ્તાન આર્મીની બર્બરતા સામે બલૂચિસ્તાનમાંભારે વિરોધ

પાકિસ્તાન આર્મીની બર્બરતા સામે બલૂચિસ્તાનમાંભારે વિરોધ

By Ramesh Parmar August 12, 2026 World
Share:

9 માસૂમ બાળકો, 7 મહિલાઓ સહિત 28 બલોચ નાગરિકોની હત્યા

ક્વેટા: પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા કથિત ભયાનક હવાઈ હુમલાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરાબ જિલ્લાના ગૌનદાન ગામમાં ૧૨ ઓગસ્ટની મોડી રાત્રે લડાકુ વિમાનો દ્વારા કરાયેલા બોમ્બમારામાં ૯ માસૂમ બાળકો, ૭ મહિલાઓ અને ૧૨ પુરુષો સહિત ૨૮ બલોચ નાગરિકોના કરુણ મોત થયાનો સ્થાનિક સૂત્રોનો દાવો છે. આ હુમલામાં ૧૭ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેના લીધે સમગ્ર વિસ્તારમાં અરેરાટી અને ભારે અસંતોષ ફેલાઈ ગયો છે.

ગઢનિંદ્રામાં સૂતેલા ગ્રામજનો પર બોમ્બમારો
સ્થાનિક અહેવાલો મુજબ, રાત્રે આશરે ૨ વાગ્યે જ્યારે ગૌનદાન ગામના લોકો ઊંઘી રહ્યા હતા ત્યારે પાકિસ્તાની સેનાએ રહણાંક વિસ્તારોને લક્ષ્ય બનાવીને હુમલો કર્યો હતો. ધડાકા સાથે અનેક મકાનો કાટમાળમાં ફેરવાઈ ગયા હતા અને ગામમાં ચીસાચીસ તથા ભાગદોડ મચી ગઈ હતી. હુમલા બાદ સ્થાનિક લોકો પોતાના પરિવારજનોને શોધવા કાટમાળ ખસેડતા નજરે પડ્યા હતા. હજુ પણ મૃત્યુઆંક વધવાની ભીતિ સેવાઈ રહી છે.

મૃતદેહો સાથે હાઈવે પર ચક્કાજામ અને પ્રદર્શન
આ નિર્મમ ઘટનાના વિરોધમાં આક્રોશે ભરાયેલા ગ્રામજનો અને મૃતકોના સ્વજનોએ સુરાબના મુખ્ય ચોકમાં મૃતદેહો સાથે ધરણાં શરૂ કર્યા હતા. તેમણે ક્વેટા-કરાચી મુખ્ય માર્ગ N-25 પર ચક્કાજામ કરી દેતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો હતો. બલૂચ એકતા સમિતિ અને બલૂચિસ્તાન નેશનલ પાર્ટીના વડા સરદાર અખ્તર મેંગલે આ કાર્યવાહીની આકરા શબ્દોમાં ટીકા કરી છે. સરદાર મેંગલે સવાલ ઉઠાવ્યો હતો કે શું આ નિર્દોષ બાળકો ઉગ્રવાદી હતા? બાળકોને મારીને ક્યારેય શાંતિ સ્થાપી શકાતી નથી.

આઝાદીના નારાઓ બાદ કાર્યવાહીનો દાવો
અહેવાલો અનુસાર, ઘટનાના એક દિવસ પહેલાં બલૂચિસ્તાનના કેટલાક વિસ્તારોમાં લોકો દ્વારા પાકિસ્તાનથી ‘આઝાદી’ના સમર્થનમાં દેખાવો કરવામાં આવ્યા હતા અને બલૂચ ધ્વજ લહેરાવવામાં આવ્યા હતા. દાવો કરાઈ રહ્યો છે કે લોકોમાં દહેશત ફેલાવવાના હેતુથી આ હવાઈ કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા આવી નથી. મીડિયા અહેવાલ અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ ઘટના બાદ બલૂચિસ્તાનમાં સ્થિતિ વધુ ગંભીર અને વિસ્ફોટક બની છે.

Ad