થાઈલેન્ડની શાળામાં ભયાનક અંધાધૂંધ ગોળીબાર થયો
વિદ્યાર્થીએ ખુદને ગોળી મારી દીધી

બેંગકોક:પાટનગર નજીક આવેલા નોન થાબુરી પ્રાંતની એક પ્રતિષ્ઠિત શાળામાં શુક્રવારે સવારે અંધાધૂંધ ફાયરિંગની અત્યંત આંચકાજનક ઘટના સામે આવી છે. શાળાના જ એક વિદ્યાર્થીએ અચાનક હથિયાર કાઢીને શિક્ષકો અને નિર્દોષ બાળકો પર ગોળીઓનો વરસાદ શરૂ કરી દીધો હતો. આ ભયાનક ગોળીબારમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત છ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. ત્યારબાદ હુમલાખોર વિદ્યાર્થીએ પોતે પણ ખુદને ગોળી મારીને આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે.
શાળા કેમ્પસમાં ભય અને કરુણ દ્રશ્યો
ઘટના સમયે ગોળીઓનો અવાજ સંભળાતાં જ આખા કેમ્પસમાં ભાગદોડ મચી ગઈ હતી. ડરના માર્યા શિક્ષકો અને નાના બાળકો એકબીજાને વળગીને રડતા જોવા મળ્યા હતા. શરૂઆતમાં લોકોને લાગ્યું કે કોઈ ફટાકડા ફોડી રહ્યું છે, પરંતુ સત્ય સામે આવતાં જ ચીસાચીસ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ઈમર્જન્સી રાહત ટુકડીઓ અને એમ્બ્યુલન્સનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો.
ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા
આ લોહિયાળ ઘટનામાં પંદરથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્ટ્રેચરની મદદથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની મુખ્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર ગોળીબાર કરનાર હુમલાખોર શાળાનો જ વિદ્યાર્થી હતો, પરંતુ તેણે આટલું ભયાનક પગલું કયા કારણોસર ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને સીલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
બંદૂક હિંસામાં સતત થતો વધારો
મીડિયા અહેવાલ મુજબ, થાઈલેન્ડમાં છેલ્લા કેટલાક સમયથી હથિયારોનો ઉપયોગ અને ગોળીબારની ઘટનાઓ સામાન્ય બની રહી છે. આ પહેલા પણ શોપિંગ સેન્ટરો અને જાહેર જગ્યાઓ પર ભયાનક ગોળીબારમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, શિક્ષણ મંત્રી અને નેશનલ પોલીસ પ્રવક્તાએ આ ગમખ્વાર દુર્ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે અને દેશમાં શસ્ત્ર નિયંત્રણ કાયદા વધુ કડક કરવાની માંગણીએ જોર પકડ્યું છે.

