તુર્કીના વલણથી સાઉદી અરેબિયાને આંચકો
ઇસ્લામિક નાટોમાં સમીકરણો બદલાયાં અચાનક

નવી દિલ્હી: પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કી વચ્ચે રચાયેલા કહેવાતા ‘ઇસ્લામિક નાટો’ અર્થાત ‘મક્કા-જોઇન્ટ ડિફેન્સ એક્ટ’ ના કરાર થયાના ગણતરીના ૨૪ કલાકમાં જ રાજકીય સમીકરણો બદલાઈ ગયા છે. આ કરાર હેઠળ ત્રણેય દેશોમાંથી કોઈ એક પર હુમલો થાય તો બાકીના બે દેશો તેને પોતાના પરનો હુમલો ગણી વળતો પ્રહાર કરશે તેવી જોગવાઈ કરવામાં આવી છે. જોકે, કરાર બાદ તુર્કીના વિદેશ મંત્રીના તાજેતરના સ્ટેન્ડથી સાઉદી અરેબિયાને મોટો આંચકો લાગ્યો છે.
તુર્કીના વિદેશ મંત્રીનું મહત્વપૂર્ણ નિવેદન
કરાર મંજૂર થયાના ચોવીસ કલાક પૂર્ણ થાય તે પહેલાં જ તુર્કીના વિદેશ મંત્રી હાકાન ફિદાને સ્પષ્ટતા કરી છે કે આ કરાર કોઈ ચોક્કસ દેશ કે ખાસ કરીને ઇરાન વિરૂદ્ધ નથી. સમાચાર સંસ્થા અનાદોવુને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યાં સુધી હુમલો કરનાર દેશ નિશ્ચિત ન થાય ત્યાં સુધી કોઈ સામે લશ્કરી પગલાં લેવા યોગ્ય નથી. તેમણે ઇરાનને શત્રુ રાષ્ટ્ર ગણવાનો પણ સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.
સાઉદી અરેબિયા માટે આંચકાજનક સ્થિતિ
રાજકીય વિશ્લેષકોના મતે તુર્કીનું આ વલણ સાઉદી અરેબિયા માટે અત્યંત આંચકાજનક સાબિત થયું છે. વર્તમાન સમયમાં ઇરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓ સાઉદી અરેબિયા પર સતત હુમલા કરી રહ્યા છે. સાઉદી અરેબિયા આ કરાર દ્વારા પોતાની સુરક્ષા મજબૂત કરવા ઈચ્છતું હતું, પરંતુ તુર્કીએ ઇરાન સામે સીધી લશ્કરી કાર્યવાહી કરવાનો ઇનકાર કરી દેતાં આ ગઠબંધનની વ્યાવહારિકતા પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકાયું છે.
ઇરાનનો વિરોધ અને ભવિષ્યના સમીકરણો
બીજી તરફ, આ સંયુક્ત કરાર સામે ઇરાને સત્તાવાર રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. તુર્કીના આ સ્પષ્ટ વલણ બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જાગી છે કે ‘ઇસ્લામિક નાટો’ તરીકે ઓળખાતું આ ગઠબંધન ભવિષ્યમાં કેટલું એકજૂથ રહી શકશે. મીડિયા અહેવાલ અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તુર્કીના આ વલણ બાદ મધ્ય-પૂર્વના દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં નવા વળાંક જોવા મળી શકે છે.

