ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનનું રાજીનામું
AGM પહેલાં અચાનક લીધો નિર્ણય, 40 વર્ષની કારકિર્દી બાદ પદ છોડ્યું

મુંબઈ: ભારતના અગ્રણી કોર્પોરેટ જૂથ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને ૧૮ ઑગસ્ટના રોજ યોજાનારી વાર્ષિક સામાન્ય સભા (AGM) પહેલા જ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપીને સમગ્ર વ્યાપારિક જગતને ચોંકાવી દીધું છે. ટાટા ગ્રૂપમાં ૪૦ વર્ષની લાંબી અને સફળ વ્યાવસાયિક કારકિર્દી પૂર્ણ કર્યા બાદ તેમણે આ નિર્ણય લીધો છે. તેમની વર્તમાન ટર્મ ફેબ્રુઆરી ૨૦૨૭ માં પૂર્ણ થવાની હતી, પરંતુ બોર્ડમાં સર્વાનુમતીના અભાવે તેમણે મુદત પૂરી થાય તે પહેલાં જ પદ છોડવાની જાહેરાત કરી દીધી છે.
૪૦ વર્ષની સુવર્ણ સફર અને ઈમોશનલ વિદાય
રાજીનામા અંગે વાત કરતા એન. ચંદ્રશેખરને જણાવ્યું હતું કે, ટાટા ગ્રૂપમાં વ્યાવસાયિક કારકિર્દીના ૪૦ વર્ષ પૂરા કરવા અને આ પ્રતિષ્ઠિત સંસ્થામાં યોગદાન આપવાની તક મળવી એ તેમના માટે બહુ મોટું સન્માન રહ્યું છે. છેલ્લા એક દાયકાથી ટાટા સન્સનું નેતૃત્વ કરવું એ એક અમૂલ્ય જવાબદારી હતી. તેમણે બોર્ડને ટૂંક સમયમાં જ નવા ઉત્તરાધિકારીની પસંદગી કરવા વિનંતી કરી છે જેથી સરળતાથી કાર્યભાર સોંપી શકાય, તેમજ તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈ જ પુનઃનિયુક્તિ (રિ-એપોઇન્ટમેન્ટ) ઈચ્છતા નથી.
ટાટા ગ્રૂપમાં ચંદ્રશેખરનનું યોગદાન
ચંદ્રશેખરન વર્ષ ૧૯૮૭ માં ટાટા ગ્રૂપમાં જોડાયા હતા, જ્યાંથી પ્રગતિ કરીને ૨૦૦૯ માં TCS ના CEO બન્યા અને ત્યારબાદ ૨૦૧૭ માં તેમને ટાટા સન્સના ચેરમેન તરીકેની મહત્ત્વની જવાબદારી સોંપાઈ હતી. તેમના કાર્યકાળ દરમિયાન ટાટા જૂથે એર ઈન્ડિયાનું સંપાદન, ટીસીએસ પર કિંમતોનું દબાણ અને જેગ્યુઅર લેન્ડ રોવર પર થયેલા સાયબર હુમલા જેવા અનેક મોટા વૈશ્વિક અને આર્થિક સંકટોનો સફળતાપૂર્વક સામના કરીને સ્થિરતા મેળવી હતી.
બોર્ડમાં અસંતોષ અને રાજીનામાનું મુખ્ય કારણ
અહેવાલો અનુસાર, આ રાજીનામું શેરધારકો વચ્ચેનો તણાવ અને ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા સાથેના મતભેદોનું પરિણામ છે. સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટે ચંદ્રશેખરનના કાર્યકાળને આગામી ૫ વર્ષ માટે લંબાવવાની ભલામણ કરી હતી. પરંતુ, બોર્ડની બેઠકમાં એક સભ્ય દ્વારા તેનો વિરોધ થતાં સર્વાનુમતિ સાધી શકાઈ નહોતી. બોર્ડમાં સંપૂર્ણ સમર્થન ન મળવાને કારણે તેમણે રાજીનામું આપવાનું મુનાસિબ માન્યું હતું. મીડિયા અહેવાલ અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ અચાનક ઘટેલી ઘટનાના લીધે ટાટા ગ્રૂપના શેરોમાં પણ ઘટાડો નોંધાયો છે.

