Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home ›Business › નોકરિયાતો માટે EPFOએ નિયમો ઝડપથી બદલ્યા

નોકરિયાતો માટે EPFOએ નિયમો ઝડપથી બદલ્યા

By Ramesh Parmar August 8, 2026 Business
Share:

PF ક્લેમ અને વિડ્રોઅલ માટે નવા નિયમો

નવી દિલ્હી:દેશના કરોડો નોકરિયાત વર્ગ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટા સમાચાર સામે આવ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા વર્ષ ૨૦૨૬માં EPF, EPS અને EDLI યોજનાઓને સંચાલિત કરતાં આઠ જેટલા મોટા નિયમોમાં સુધારા જાહેર કરવામાં આવ્યા છે. PF ક્લેમ સેટલમેન્ટ, નાણાં ઉપાડવા (વિડ્રોઅલ) અને ઇ-નોમિનેશન સહિતની તમામ પ્રક્રિયાઓને વધુ સરળ, પારદર્શી અને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવા માટે આ ફેરફારો અમલી બનાવાયા છે.

ઉપાડના નિયમોમાં સરળીકરણ અને નવું ખાતાકીય માળખું
EPFO દ્વારા ઉપાડ માટેની વિવિધ જટિલ શ્રેણીઓને હવે માત્ર ત્રણ મુખ્ય શ્રેણીઓ – કટોકટી, રહેઠાણ અને ખાસ પરિસ્થિતિઓમાં વિભાજિત કરવામાં આવી છે. આ સિવાય ખાતાના માળખામાં ફેરફાર કરીને જમા થયેલી કુલ રકમના ૨૫ ટકા રકમ લઘુતમ બેલેન્સ તરીકે સુરક્ષિત રાખવામાં આવશે, જ્યારે બાકીની ૭૫ ટકા રકમ લાયક આંશિક ઉપાડ માટે ઉપયોગમાં લઈ શકાશે. આંશિક અથવા તબીબી ઉપાડ માટે સભ્યોએ ઓછામાં ઓછી ૧૨ મહિનાની નોકરી પૂર્ણ કરવી ફરજિયાત રહેશે.

ક્લેમ સેટલમેન્ટ અને વિલંબ પર દંડની જોગવાઈ
નવા નિયમો મુજબ PF ક્લેમની પતાવટ માટેની સમયમર્યાદા ઘટાડીને ૨૦ દિવસ કરી દેવામાં આવી છે. જો કોઈ યોગ્ય કારણ વિના ક્લેમ પ્રોસેસિંગમાં વિલંબ થશે, તો EPFO દ્વારા ૧૨ ટકાના દરે દંડાત્મક વ્યાજ ચૂકવવામાં આવશે, જે રકમ સંબંધિત પ્રાદેશિક PF કમિશનરના પગારમાંથી કાપવામાં આવશે. આ કડક પગલાથી કર્મચારીઓના ક્લેમ ઝડપથી મંજૂર થશે અને જવાબદારીમાં પણ વધારો થશે.

ડિજિટલ નોમિનેશન અને બેરોજગારી બાદ ઉપાડના નિયમો
કાગળકામ અને પ્રોસેસિંગનો સમય ઘટાડવા માટે ભૌતિક નોમિનેશન ફોર્મ્સ નાબૂદ કરીને ઓનલાઈન ઈ-નોમિનેશનને જ માન્યતા આપવામાં આવી છે. આ સિવાય નોકરી ગુમાવ્યા કે છોડ્યા બાદ સંપૂર્ણ PF રકમ ઉપાડવા માટે બેરોજગારીનો સમયગાળો ૧૨ મહિના નક્કી કરાયો છે, જોકે આંશિક ઉપાડની સુવિધા ઉપલબ્ધ રહેશે.

સુરક્ષા અને ભવિષ્યની યોજનાઓ
મીડિયા અહેવાલ મુજબ, કર્મચારી અને કંપની બંને તરફથી ફરજિયાત PF યોગદાન ૧૨ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ભવિષ્યમાં જરૂરિયાત મુજબ કેન્દ્ર સરકાર દ્વારા મૂળ પગારની સીમામાં જરૂરી ફેરફારો કરવાની જોગવાઈ પણ નવા માળખામાં સામેલ કરવામાં આવી છે, જેથી સભ્યોને વધુ નાણાકીય સુરક્ષા મળી રહે.

Ad