Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home ›Sports › કોમનવેલ્થ ગેમ્સ 2026 માં ભારતનો છેલ્લા 24 વર્ષમાં સૌથી ખરાબ દેખાવ

કોમનવેલ્થ ગેમ્સ 2026 માં ભારતનો છેલ્લા 24 વર્ષમાં સૌથી ખરાબ દેખાવ

By Ramesh Parmar August 3, 2026 Sports
Share:

ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026 માં ભારતને મળ્યા માત્ર 39 મેડલ

ગ્લાસગો : સ્કોટલૅન્ડના ગ્લાસગો ખાતે ૨૩ જુલાઈથી શરૂ થયેલી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ નું 2 ઑગસ્ટના રોજ સત્તાવાર રીતે સમાપન થયું છે. આ મહાસંગ્રામમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર પ્રદર્શન કરતા સૌથી વધુ ૧૭૦ મેડલ જીતીને પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે ઇંગ્લૅન્ડ પણ મેડલની સેન્ચુરી ફટકારવામાં સફળ રહ્યું છે. બીજી તરફ, ભારતે આ મહાખેલ સ્પર્ધામાં કુલ ૩૯ મેડલ પોતાના નામે કર્યા છે, જેને છેલ્લા ચોવીસ વર્ષમાં ભારતનું સૌથી નબળું અને ચિંતાજનક પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. જો કે, આ મેડલ ઓછા આવવા પાછળ કોઈ ખેલાડીની નબળી રમત નહીં પરંતુ આયોજન સંબંધિત એક મોટી મજબૂરી અને અણધાર્યા ફેરફારો જવાબદાર રહ્યા છે.

કોમનવેલ્થ ગેમ્સ 2026 માં ભારતનું પ્રદર્શન અને આંકડા

ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ માં ભારતે જીતેલા કુલ ૩૯ મેડલમાંથી ૧૩ ગોલ્ડ, ૧૭ સિલ્વર અને ૯ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારતીય રમતવીરોએ આ વખતે સૌથી વધુ મેડલ એથ્લેટિક્સમાં મેળવ્યા છે, જ્યારે બોક્સિંગમાં બીજું અને વેઇટલિફ્ટિંગ ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ખાસ કરીને ભારતીય બોક્સરોએ અદભુત રમત બતાવતા શાનદાર પ્રદર્શન કર્યું છે. પરંતુ તેમ છતાં, વર્ષ ૨૦૦૨ના માન્ચેસ્ટર કોમનવેલ્થ ગેમ્સથી શરૂ થયેલી પચાસ કે તેથી વધુ મેડલ જીતવાની સિલસિલાબંધ પરંપરા આ વખતે તૂટી ગઈ છે, કારણ કે સતત છ વખતથી ૫૦થી વધુ મેડલ જીતનારી ભારતીય ટીમ આ વખતે માત્ર ૩૯ મેડલ સુધી જ સિમિત રહી ગઈ છે.

વિક્ટોરિયાની પીછેહટ અને ગ્લાસગોમાં આયોજન

મેડલની સંખ્યા ઘટીને ૩૯ થવા પાછળનું મુખ્ય કારણ આયોજનની બદલાયેલી રૂપરેખા છે. મૂળ આયોજન મુજબ આ વર્ષની કોમનવેલ્થ ગેમ્સ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં યોજાવાની હતી, પરંતુ વર્ષ ૨૦૨૩માં અચાનક તેનો આયોજન ખર્ચ વધીને ૬ થી ૭ બિલિયન ડૉલર સુધી પહોંચી જતાં વિક્ટોરિયા સરકારે ખર્ચ વધુ હોવાનું કારણ ધરીને યજમાની પાછી ખેંચી લીધી હતી. આશરે એક વર્ષ સુધી કોઈ નવો યજમાન દેશ ન મળ્યા બાદ આખરે ૨૦૨૪માં ગ્લાસગો દ્વારા આ રમતોનું આયોજન કરવાની જવાબદારી સ્વીકારવામાં આવી હતી. આ ટૂંકા સમયગાળાના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રમતોની પસંદગી પર ભારે અસર પડી હતી.

પરંપરાગત રમતો રદ થતા મેડલ ગ્રાફ પર અસર

મીડિયા અહેવાલ અને રમતગમતના જાણકારોના મતે, ગ્લાસગો પાસે આયોજન માટે ખૂબ જ ઓછો સમય હોવાથી ભારતની કેટલીક સૌથી મજબૂત અને પરંપરાગત રમતોને આ વખતની ગેમ્સમાંથી હટાવી દેવામાં આવી હતી. કુશ્તી, બેડમિન્ટન, ટેબલ ટેનિસ અને હોકી જેવી રમતો રદ થવાના કારણે ભારતને મોટો ફટકો પડ્યો છે, કારણ કે આ એ જ રમતો છે જેમાં ભારત દર વખતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સૌથી વધુ મેડલ જીતતું હતું. અગાઉની બર્મિંગહામ ગેમ્સમાં ભારતે એકલા કુશ્તીમાં ૧૨, ટેબલ ટેનિસમાં ૭ અને બેડમિન્ટનમાં ૬ મેડલ જીત્યા હતા. જો આ રમતો ચાલુ રહી હોત, તો ભારત આ વખતે પણ સરળતાથી ૭૦થી વધુ મેડલ જીતીને નવો ઇતિહાસ રચી શક્યું હોત.

Ad