કોમનવેલ્થ ગેમ્સ 2026: બોક્સર સચિન સિવાચે ભારત માટે જીત્યો ગોલ્ડ મેડલ
રોમાંચક ફાઇનલ મુકાબલો: નામીબિયાના ખેલાડીને હરાવી સચિન સિવાચ બન્યા ચેમ્પિયન

ગ્લાસગો :સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬માં ભારતીય બોક્સરોએ અદ્ભુત પરાક્રમ દાખવતા દેશ માટે વધુ એક સુવર્ણ પદક જીતી લીધો છે. બે ઓગસ્ટના રોજ રમાયેલી પુરુષોની સાઈઠ કિલોગ્રામ વજન વર્ગની અત્યંત રોમાંચક ફાઇનલ મેચમાં હરિયાણાના ૨૬ વર્ષીય સ્ટાર બોક્સર સચિન સિવાચે નામીબિયાના ખેલાડી ટ્રાયએગિન મોર્નિંગ ન્ડેવેલોને સ્પ્લિટ નિર્ણયમાં ત્રણ-બેથી હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. શરૂઆતના રાઉન્ડમાં મુશ્કેલીઓનો સામનો કરવા છતાં સચિને અંતિમ ક્ષણોમાં શાનદાર વાપસી કરીને આ મોટી સિદ્ધિ હાંસલ કરી છે અને આગામી એશિયન ગેમ્સમાં પણ આ જ પ્રદર્શન ચાલુ રાખવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
રોમાંચક મુકાબલો અને નાટકીય વાપસી
ફાઇનલ મુકાબલાની શરૂઆત સચિન માટે થોડી મુશ્કેલ રહી હતી અને નિર્ણાયક ત્રીજા રાઉન્ડમાં પ્રવેશતી વખતે તેઓ થોડા પાછળ ચાલી રહ્યા હતા. નામીબિયાના બોક્સરે કાઉન્ટર અટેક દ્વારા દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો અને રેફરી દ્વારા પણ સચિનને કેટલીક ચેતવણીઓ આપવામાં આવી હતી. પરંતુ મેચની અંતિમ પળોમાં સચિને પોતાની આક્રમક રમતનું ઉત્તમ પ્રદર્શન કરતા એક શક્તિશાળી પંચ ફટકાર્યો હતો, જેના કારણે રેફરીને નામીબિયાના ખેલાડી સામે સ્ટેન્ડિંગ કાઉન્ટ આપવાની ફરજ પડી હતી. આ છેલ્લી ઘડીના હુમલાએ મેચનું પાસું પલટી નાખ્યું અને જજોએ પાતળા માર્જિનથી ભારતીય બોક્સરના પક્ષમાં નિર્ણય આપીને વિજયી જાહેર કર્યો હતો.
પરિવારનો ગર્વ અને ભવ્ય સફર
ભીવાણીના આ પ્રતિભાશાળી ખેલાડીએ ગ્લાસગો સુધીની સફરમાં કેનેડા, ઇંગ્લેન્ડ, બોત્સ્વાના અને વેલ્સના ખેલાડીઓને મ્હાત આપીને અપરાજિત રહીને આ ખિતાબ જીત્યો છે. સચિનના આ ઐતિહાસિક વિજયથી તેમના માતા-પિતા અને સમગ્ર પરિવારમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે, જેમણે બાળપણથી જ તેમના બોક્સિંગ પ્રત્યેના સમર્પણ અને મહેનતને નજીકથી જોયા છે. મીડિયા અહેવાલ અનુસાર, પૂર્વ યુથ વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલા સચિને પોતાની કઠોર મહેનત અને મનોબળના બળે વધુ એક વખત વૈશ્વિક મંચ પર ભારતની આન, બાન અને શાન વધારી છે.

