ભારતે આયોજિત કરી આસિયાન-ભારત વેપાર કરાર સંયુક્ત સમિતિની 13મી બેઠક

આસિયન સમિટ માટે ઉપસ્થિત મહાનુભાવો
નવી દિલ્હી, 8 જુલાઈ: ભારતે 6થી 10 જુલાઈ દરમિયાન નવી દિલ્હીના વાણિજ્ય ભવન ખાતે આસિયાન-ભારત ટ્રેડ ઇન ગુડ્સ એગ્રીમેન્ટ (AITIGA) સંયુક્ત સમિતિ (Joint Committee)ની 13મી બેઠક અને સંબંધિત બેઠકોનું આયોજન કર્યું છે. હાઇબ્રિડ સ્વરૂપમાં યોજાઈ રહેલી આ બેઠકોમાં AITIGAની સમીક્ષા હેઠળ ચાલી રહેલી વાટાઘાટોની પ્રગતિની ચર્ચા કરવામાં આવી રહી છે.
13મી સંયુક્ત સમિતિની બેઠક દરમિયાન આઠમાંથી ત્રણ ઉપસમિતિઓની બેઠકો પણ યોજાઈ રહી છે. તેમાં કસ્ટમ્સ પ્રક્રિયા અને વેપાર સુગમતા, રાષ્ટ્રીય વ્યવહાર અને બજાર પ્રવેશ, તેમજ રૂલ્સ ઓફ ઓરિજિન સંબંધિત ઉપસમિતિઓનો સમાવેશ થાય છે. આ બેઠકો ભારત અને આસિયાન દેશો વચ્ચે સહકાર વધારવા, પરસ્પર સમજ મજબૂત બનાવવા અને રચનાત્મક સંવાદને આગળ ધપાવવા માટે મહત્વપૂર્ણ મંચ સાબિત થઈ રહી છે.
સંયુક્ત સમિતિએ ઉપસમિતિઓને તેમના કાર્યક્ષેત્રમાં વ્યૂહાત્મક માર્ગદર્શન આપ્યું હતું અને AITIGA સમીક્ષા હેઠળ બાકી રહેલા પ્રકરણોને ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. વાટાઘાટોની ગતિ જળવાઈ રહે તે માટે ઉપસમિતિઓને સમયબદ્ધ લક્ષ્યાંકો સોંપવામાં આવ્યા હતા અને નિર્ધારિત સમયમર્યાદામાં પરિણામલક્ષી કામગીરી કરવા પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
7 જુલાઈએ યોજાયેલી 13મી સંયુક્ત સમિતિની બેઠકની સહઅધ્યક્ષતા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વાણિજ્ય વિભાગના એડિશનલ સચિવ નિતિન કુમાર યાદવ અને મલેશિયાના રોકાણ, વેપાર અને ઉદ્યોગ મંત્રાલયના ડેપ્યુટી સેક્રેટરી જનરલ (ટ્રેડ) મસ્તુરા અહમદ મુસ્તફાએ કરી હતી. બેઠકમાં બ્રુનેઈ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઇન્સ, સિંગાપુર, થાઇલેન્ડ અને વિયેતનામ સહિત તમામ આસિયાન સભ્ય દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
આસિયાન ભારતના મુખ્ય વેપારી ભાગીદારોમાંનું એક છે અને ભારતના કુલ વૈશ્વિક વેપારમાં તેનો આશરે 11 ટકા હિસ્સો છે. વર્ષ 2025-26 દરમિયાન ભારત અને આસિયાન વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 128 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચ્યો હતો, જે બંને પક્ષો વચ્ચેના મજબૂત આર્થિક સંબંધોને દર્શાવે છે. આ સાથે વેપાર અને રોકાણ ક્ષેત્રે સહકાર વધુ વિસ્તરવાની નવી તકો પણ ઊભી થઈ રહી છે.

