ક્રિકેટ શ્રેણી રમવા કરગરતા બાંગ્લાદેશને BCCIએ આપ્યો જોરદાર ઝટકો
સપ્ટેમ્બરમાં ભારત-અફઘાનિસ્તાન T20 સિરીઝ,T20 વર્લ્ડ કપ અને IPL વિવાદ બાદ સંબંધોમાં તણાવ

મુંબઈ: ભારત સાથે પુનઃ ક્રિકેટ શ્રેણી શરૂ કરવાના બાંગ્લાદેશના પ્રયાસોને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી મોટો ઝટકો લાગ્યો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) આવતા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં ટીમ ઈન્ડિયા સામે ૩ વનડે અને ૩ T20 મેચોની સિરીઝ રમવા ઈચ્છુક હતું. જોકે, ભારતીય ટીમની વ્યસ્તતા અને પૂર્વ-નિર્ધારિત શેડ્યૂલને કારણે BCCI એ આ ઓફર ફગાવી દીધી છે, જેથી સપ્ટેમ્બરમાં બંને દેશો વચ્ચે કોઈ શ્રેણી રમાશે નહીં.
અફઘાનિસ્તાન સામેની શ્રેણીના લીધે નિર્ણય
BCCI અનુસાર, સપ્ટેમ્બર મહિનામાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ૩ T20 મેચોની સિરીઝ નક્કી થયેલી છે, જે ૧૩, ૧૫ અને ૧૭ સપ્ટેમ્બરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાશે. આ સિરીઝ પર લગભગ આખરી મહોર વાગી ચૂકી હોવાથી ભારતીય ટીમ પાસે સપ્ટેમ્બરમાં અન્ય કોઈ શ્રેણી રમવાનો સમય ઉપલબ્ધ નથી. આ જ કારણસર બાંગ્લાદેશ સાથે ક્રિકેટ મેચો યોજવાની શક્યતા પૂર્ણ થઈ ગઈ છે.
T20 વર્લ્ડ કપ દરમિયાન વણસ્યા હતા સંબંધો
ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં યોજાયેલા ICC T20 વર્લ્ડ કપ દરમિયાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના ક્રિકેટ સંબંધોમાં ભારે ખટાશ આવી હતી. તે સમયે બાંગ્લાદેશે ભારતમાં પોતાની મેચો રમવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. બાંગ્લાદેશ બોર્ડની આ જિદ્દના કારણે ટૂર્નામેન્ટમાં તેના સ્થાને સ્કોટલેન્ડને સામેલ કરવું પડ્યું હતું, જેનાથી ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપની યજમાની પર પણ સવાલો ઊભા થયા હતા.
IPL 2026 અને મુસ્તફિઝુર રહમાનનો વિવાદ
બંને દેશોના ક્રિકેટ બોર્ડ વચ્ચેના મતભેદોની શરૂઆત IPL 2026 ના ઓક્શનથી થઈ હતી, જ્યારે KKR એ બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાનને મોટી રકમમાં ખરીદ્યો હતો. જોકે, બાંગ્લાદેશમાં સાંપ્રદાયિક હિંસા વધતાં ભારતમાં થયેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે BCCI એ KKR ને મુસ્તફિઝુરને રિલીઝ કરવાની સૂચના આપી હતી. આ ઘટનાથી નારાજ થઈને BCB એ સુરક્ષાનું કારણ આગળ ધરી T20 વર્લ્ડ કપ માટે ભારત આવવાની ના પાડી હતી. મીડિયા અહેવાલ અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પોતાની ભૂલ સમજાતાં બાંગ્લાદેશ હવે ભારત સાથે સંબંધો સુધારવા કરગરી રહ્યું છે પરંતુ તેને નિરાશા સાંપડી છે.

