2000માં ક્લિન્ટન માટેની પ્લેન સ્ટ્રેટજી ટ્રમ્પની સુરક્ષા માટેના ગુપ્ત વિમાન પરિવર્તન વચ્ચે સમાનતા

અમેરિકાના વરિષ્ઠ વ્હાઇટ હાઉસ પત્રકાર સુસાન પેજે 26 વર્ષ બાદ ખુલાસો કર્યો છે કે વર્ષ 2000માં તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનની પાકિસ્તાન મુલાકાત દરમિયાન સુરક્ષા કારણોસર ડિકોય (છેતરપિંડી માટેનું) વિમાન ઉપયોગમાં લેવામાં આવ્યું હતું.
તે સમયે વ્હાઇટ હાઉસ કોરસ્પોન્ડન્ટ્સ એસોસિએશનના પ્રમુખ રહેલા પેજે જણાવ્યું કે ક્લિન્ટન ભારતથી પાકિસ્તાન રવાના થાય તે પહેલાં અધિકારીઓએ તેમને ઑફ-ધ-રેકોર્ડ બ્રીફિંગ માટે બોલાવ્યા હતા. આ દરમિયાન તેમને પાકિસ્તાન જતી વખતે અપનાવવામાં આવનારી અસાધારણ સુરક્ષા વ્યવસ્થાઓ વિશે માહિતી આપવામાં આવી હતી, જેમાં ડિકોય વિમાનનો પણ સમાવેશ થતો હતો.
પેજે જણાવ્યું કે પાકિસ્તાનની યાત્રા દરમિયાન રહેલા જોખમો માત્ર રાષ્ટ્રપતિ ક્લિન્ટન માટે જ નહીં, પરંતુ તેમની સાથે પ્રવાસ કરી રહેલા પત્રકારો માટે પણ હતા.
આ ખુલાસો એવા અહેવાલ બાદ સામે આવ્યો છે જેમાં જણાવાયું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા મહિને ઈરાન તરફથી મળેલા વિશ્વસનીય ખતરાને પગલે તુર્કીથી રવાના થતી વખતે ગુપ્ત રીતે વિમાન બદલ્યું હતું. મીડિયા કર્મચારીઓ અને વ્હાઇટ હાઉસના કેટલાક અધિકારીઓને એવું માનવા દેવામાં આવ્યું હતું કે ટ્રમ્પ જૂના એરફોર્સ વન વિમાનમાં જ હતા.
અહેવાલ અનુસાર, ટ્રમ્પને એરપોર્ટની કેટરિંગ ટ્રક મારફતે એક અનમાર્ક્ડ Air Force C-32A વિમાન સુધી લઈ જવામાં આવ્યા હતા. જ્યારે પત્રકારો અને સ્ટાફને લઈ જતું રાષ્ટ્રપતિનું વિમાન ડિકોય તરીકે આગળ મોકલવામાં આવ્યું હતું. જોકે, વ્હાઇટ હાઉસે અગાઉ સત્તાવાર રીતે જણાવ્યું હતું કે ટ્રમ્પ તુર્કીથી જૂના એરફોર્સ વન વિમાનમાં જ રવાના થયા હતા.
હાલમાં USA Todayના વોશિંગ્ટન બ્યુરો ચીફ તરીકે કાર્યરત પેજે જણાવ્યું કે તેમણે ક્લિન્ટન સમયના આ બનાવ વિશે હવે વાત કરવાનો નિર્ણય એટલા માટે લીધો કારણ કે ઘટનાને 25 વર્ષથી વધુ સમય વીતી ગયો છે અને પાકિસ્તાન પહોંચ્યા બાદ ક્લિન્ટન વિમાનમાંથી બહાર આવ્યા ત્યારે સમગ્ર કાવતરું સ્પષ્ટ થઈ ગયું હતું.
માર્ચ 2000માં એરફોર્સ વનના નિશાન ધરાવતું એક વિમાન ઇસ્લામાબાદમાં ટેલિવિઝન કેમેરાની સામે ઉતર્યું હતું. ક્લિન્ટન જેવા દેખાતા સિક્રેટ સર્વિસના એક અધિકારી વિમાનમાંથી સૌથી પહેલાં બહાર આવ્યા હતા. ત્યારબાદ એક અનમાર્ક્ડ વિમાન આવ્યું, જેમાંથી વાસ્તવિક રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન બહાર આવ્યા હતા.
આ રીતે, 2000માં ક્લિન્ટન માટે ઉપયોગમાં લેવાયેલી ડિકોય વિમાનની વ્યૂહરચના અને તાજેતરમાં ટ્રમ્પની સુરક્ષા માટે કરવામાં આવેલા ગુપ્ત વિમાન પરિવર્તન વચ્ચે સમાનતા જોવા મળી રહી છે.
પત્રકારોને વિમાન બદલવામાં આવ્યું હોવાની કે ખતરાની ગંભીરતા અંગે કોઈ માહિતી આપવામાં આવી નહોતી, એમ ધ પોસ્ટના અહેવાલમાં જણાવાયું છે. ડિકોય વિમાનમાં મુસાફરી કરી રહેલા મીડિયા સભ્યોને સમગ્ર મુસાફરી દરમિયાન વિમાનની બારીના પડદા નીચે રાખવાની સૂચના આપવામાં આવી હતી.
કથિત રીતે વિમાન બદલવાની બાબતનો સીધો ઉલ્લેખ કર્યા વિના વ્હાઇટ હાઉસના સુરક્ષા પગલાંનો બચાવ કરતાં વ્હાઇટ હાઉસના સંચાર નિયામક સ્ટીવન ચ્યુંગે જણાવ્યું હતું કે, “રાષ્ટ્રપતિએ તાજેતરમાં કહ્યું છે તેમ, અમેરિકાને નુકસાન પહોંચાડવા ઇચ્છતા અનેક દુશ્મનો છે અને અમે આવા જોખમોનો સામનો કરવા માટે અમારી પાસે ઉપલબ્ધ દરેક સાધનનો ઉપયોગ કરીએ છીએ.”
બાદમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ હજુ પણ ઈરાન તરફથી સતત જોખમ હેઠળ છે. તેમણે કહ્યું, “પરંતુ જો હું જાઉં તો તમે પણ જશો, બરાબર ને? કદાચ કોઈ દિવસ તમે તમારો વ્યવસાય બદલવા માગશો.” વ્હાઇટ હાઉસ પ્રેસ પૂલમાં પસંદગીના અને વારાફરતી ફરજ બજાવતા પત્રકારોનો એક સમૂહ હોય છે, જે રાષ્ટ્રપતિ સાથે પ્રવાસ કરે છે અને સમગ્ર મીડિયા જગત માટે તેમના કાર્યક્રમો તથા ગતિવિધિઓના અહેવાલ આપે છે. જ્યારે સામાન્ય મીડિયા ઍક્સેસ મર્યાદિત હોય ત્યારે આ વ્યવસ્થા રાષ્ટ્રપતિની હિલચાલ અને સત્તાવાર પ્રવૃત્તિઓનો નિષ્પક્ષ તથા સ્વતંત્ર રેકોર્ડ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરે છે.

