Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home ›World › લદ્દાખમાં દેશની પ્રથમ હાઇ-એલ્ટિટ્યુડ વાઇલ્ડલાઇફ સફારી શરૂ થશે

લદ્દાખમાં દેશની પ્રથમ હાઇ-એલ્ટિટ્યુડ વાઇલ્ડલાઇફ સફારી શરૂ થશે

By Rajshree V August 6, 2026 World
Share:

લેહ: લદ્દાખમાં ટકાઉ ઇકો-ટૂરિઝમને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક સમુદાયને વન્યજીવ સંરક્ષણ સાથે આર્થિક રીતે સશક્ત બનાવવા માટે દેશની પ્રથમ હાઇ-એલ્ટિટ્યુડ વાઇલ્ડલાઇફ સફારી શરૂ કરવામાં આવશે. લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ હિમચિત્તા (સ્નો લેપર્ડ) અને પક્ષી નિરીક્ષણ માટે માર્ગદર્શિત જીપ સફારી યોજનાને મંજૂરી આપી છે.

નવી રચાયેલી સ્નો લેપર્ડ એન્ડ હાઇ-એલ્ટિટ્યુડ નેચર (SHAN) કન્ઝર્વેશન સોસાયટીની પ્રથમ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. યોજના હેઠળ કાઝીરંગા અને રણથંભોર નેશનલ પાર્કની તર્જ પર ખાસ ડિઝાઇન કરાયેલા ખુલ્લા વાહનોમાં સ્થાનિક તાલીમબદ્ધ ડ્રાઇવર અને ગાઇડની મદદથી જીપ સફારીનું આયોજન કરવામાં આવશે.

વન વિભાગને હેમિસ નેશનલ પાર્ક, ચાંગથાંગ અને કારાકોરમ વાઇલ્ડલાઇફ સૅન્ક્ચુરી ઉપરાંત નુબ્રા, ઝંસ્કાર, શામ, કારગિલ અને દ્રાસ વિસ્તારમાં સંભવિત સફારી રૂટની ઓળખ કરવા સૂચના આપવામાં આવી છે. આ પહેલથી ગેરકાયદે ઓફ-રોડિંગ પર નિયંત્રણ આવશે તેમજ વન્યજીવોને ઓછો ખલેલ પહોંચશે.

યોજનાના ભાગરૂપે 20 સ્થાનિક યુવાનોને પક્ષી નિરીક્ષણ અને પક્ષીઓની ઓળખ અંગે તાલીમ આપવામાં આવશે તથા તેમને દૂરબીન ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત, મુખ્ય પક્ષી નિરીક્ષણ સ્થળોએ 10 બર્ડવોચિંગ હાઇડ્સ પણ બનાવવામાં આવશે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, લદ્દાખમાં દેશના અંદાજિત 718 હિમચિત્તામાંથી 477 હિમચિત્તા વસે છે, જે ભારતની સૌથી મોટી હિમચિત્તા વસ્તી છે. આ ઉપરાંત અહીં 38થી વધુ સસ્તન પ્રાણીઓ, આશરે 340 પક્ષી પ્રજાતિઓ અને લગભગ 1,800 વનસ્પતિ પ્રજાતિઓ જોવા મળે છે, જેના કારણે લદ્દાખ જૈવ વૈવિધ્યનો મહત્વપૂર્ણ વિસ્તાર માનવામાં આવે છે. SHAN સોસાયટી સમુદાય આધારિત વન્યજીવ સંરક્ષણ, પ્લાસ્ટિકમુક્ત પ્રવાસન, કચરા વ્યવસ્થાપન અને ટકાઉ રોજગારી માટે વ્યાપક યોજના અમલમાં મૂકશે. આ ઉપરાંત 40 ગામોમાં 300 રંગ આધારિત કચરાપેટીઓ મૂકવામાં આવશે, 50 સરકારી શાળાઓમાં વાઇલ્ડલાઇફ ક્લબ શરૂ કરાશે, 10 સ્થાનિક યુવાનો માટે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી ફેલોશિપ આપવામાં આવશે તેમજ 50 મહિલા કારીગરોને હિમચિત્તા અને બ્લેક-નેક્ડ ક્રેન આધારિત સ્મૃતિચિહ્નો બનાવવાની તાલીમ આપવામાં આવશે.

લેફ્ટનન્ટ ગવર્નર સક્સેનાએ જણાવ્યું કે, લદ્દાખના નાજુક પર્યાવરણ અને અનોખા વન્યજીવનના સંરક્ષણમાં સ્થાનિક લોકોની ભાગીદારી અનિવાર્ય છે. તેમણે સંબંધિત વિભાગોને આગામી શિયાળાની હિમચિત્તા દર્શન સીઝન પહેલાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવા સૂચના આપી છે.

Ad