બ્રિટિશ કોલંબિયાના જંગલમાં ભીષણ આગ ભડકી
કેનેડામાં વીસ હજાર લોકોનું સ્થળાંતર, કટોકટી જાહેર અને કરોડોનું નુકસાન

ઑટાવા: કેનેડાના બ્રિટિશ કોલંબિયા રાજ્યના જંગલોમાં લાગેલી અત્યંત ભયાનક આગે ભારે હાહાકાર મચાવી દીધો છે. વાઇલ્ડ રેન્જ નામના જંગલમાં આગ એટલી ઝડપથી ફેલાઈ રહી છે કે લોકો પોતાનો કિંમતી અને જરૂરી સામાન છોડીને સુરક્ષિત સ્થળો તરફ ભાગવા મજબૂર બન્યા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સરકારે કટોકટી જાહેર કરી દીધી છે અને અત્યાર સુધીમાં ૨૦ હજારથી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
હજારો હેક્ટર વિસ્તારમાં આગનો ફેલાવો
સાઉથ બ્રિટિશ કોલંબિયા સ્થિત ઓકાનાગન સરોવરની પશ્ચિમે આવેલાં સમરલેન્ડ, પીચલેન્ડ અને તેની આસપાસના આશરે ૯,૫૦૦ હેક્ટરથી વધુ વિસ્તારમાં આગ ફેલાઈ ચૂકી છે. રાત્રિ દરમિયાન આગનો વ્યાપ બમણો થઈ ગયો હતો, જેના કારણે સમરલેન્ડની ૧૨ હજાર અને પીચલેન્ડની ૬,૫૦૦ની વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરો છોડીને સ્થળાંતરિત થયા છે.
૨૦૦ ફૂટ ઊંચી જ્વાળાઓ અને નુકસાન
રાજ્યના વડાપ્રધાન ડેવિડ એલીના જણાવ્યા અનુસાર, ફાયર બ્રિગેડના અધિકારીઓએ આ ઘટનાને બોમ્બ વિસ્ફોટ જેવી ભયાનક ગણાવી છે. આગની જ્વાળાઓ ૧૦૦થી ૨૦૦ ફૂટ ઊંચે ઉઠી રહી છે. આગથી ઉદ્ભવેલા ધુમાડા અને ગરમ હવાને કારણે વાદળો જામી ગયાં છે અને વીજળી ત્રાટકવાની ઘટનાઓ બની રહી છે, જેનાથી આગ વધુ ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. આ ભીષણ કુદરતી હોનારતમાં અસંખ્ય ઘરો નાશ પામ્યા છે અને કરોડો રૂપિયાની સંપત્તિનું ભારે નુકસાન થયું છે.
રેસ્ક્યુ કામગીરી અને સ્થિતિ
મીડિયા અહેવાલ મુજબ, આગથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને ઉગારવા માટે બચાવકર્મીઓ પોતાના જાનના જોખમે રાહત અને બચાવ કામગીરી ચલાવી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આગ વધુ વિસ્તારોમાં ન ફેલાય તે માટે અગ્નિશામક દળ અને વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

