પાકિસ્તાનમાં લશ્કરી શાસનના ભણકારા તીવ્રતાથી વાગ્યા
મોહસીન નકવીનું આંચકાજનક નિવેદન, આસીમ મુનીરનો વધી રહ્યો છે દબદબો

નવી દિલ્હી:પાડોશી દેશ પાકિસ્તાનની વિવાદિત રાજકીય વ્યવસ્થામાં ફરી એકવાર મોટો ભૂકંપ આવ્યો છે. દેશના લશ્કરી વડા આસીમ મુનીરના અત્યંત ખાસ અને સત્તાવાર આંતરિક બાબતોના મંત્રી મોહસીન નકવીએ જાહેરમાં સ્વીકાર્યું છે કે દેશનું સરકારી તંત્ર સંપૂર્ણપણે પડી ભાંગ્યું છે. પાકિસ્તાન સરકારના મંત્રીના આ આંચકાજનક વિધાન બાદ દેશમાં ફરી એકવાર સેના દ્વારા સીધેસીધું લશ્કરી શાસન લાગુ કરવાની અટકળોએ જોર પકડ્યું છે.
પડદા પાછળથી સીધી સત્તા તરફ
મોહસીન નકવીના આ આકરા નિવેદન બાદ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે ફિલ્ડ માર્શલ આસીમ મુનીર હવે પડદા પાછળથી દોરીસંચાર કરવાને બદલે સત્તાની કમાન સીધી પોતાના હાથમાં લેવા માગે છે. જોકે, વર્તમાન સમયમાં પણ પાકિસ્તાનના તમામ મહત્વના નીતિવિષયક, રાજકીય અને રાજદ્વારી નિર્ણયો લશ્કરી વડાના આદેશથી જ લેવામાં આવી રહ્યા છે. આ પરિસ્થિતિ નાગરિક સરકારની નિષ્ફળતા તરફ આંગળી ચિંધે છે.
રાજકીય ક્ષેત્રે વિરોધ અને ચર્ચાનો દોર
નકવી દેશના હોમ મિનિસ્ટર હોવાની સાથે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન પણ છે, જેથી તેમના શબ્દોને ભારે વજન આપવામાં આવી રહ્યું છે. જમાયત ઉલેમા-એ-ઈસ્લામ (JUI-F) ના વડા મૌલાના ફઝલ-ઉર-રહેમાન સહિતના દેશના અનેક રાજકીય નેતાઓએ નકવીના આ વિધાન સામે આકરો વિરોધ નોંધાવ્યો છે. નિષ્ણાતોના મતે, આ તમામ ઘટનાક્રમ પાકિસ્તાની સેનાનો પ્રભાવ દેશના દરેક ક્ષેત્રમાં વધારી રહ્યો છે.
ડાયરેક્ટ મિલિટરી રૂલની આશંકા
મીડિયા અહેવાલ મુજબ, પાકિસ્તાન હંમેશાં નાગરિક સરકાર અને સૈન્યના મિશ્રિત શાસન મોડેલ પર ચાલતું આવ્યું છે. પરંતુ હવે તમામ નાગરિક અધિકારો અને મંત્રાલયો પર સેનાની પકડ વધુ મજબૂત બની રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, દેશમાં સર્જાયેલી આર્થિક અને રાજકીય અસ્થિરતા વચ્ચે પાકિસ્તાન ખૂબ જ ઝડપથી પ્રત્યક્ષ સૈન્ય શાસન તરફ આગળ વધી રહ્યું હોવાની ભયાનક આશંકાઓ વ્યક્ત થઈ રહી છે.

