ટ્રમ્પે બાળ રસીકરણની ભલામણોમાં કર્યા ફેરફાર, 11 મુખ્ય રસીઓને ગણાવી ‘ગોલ્ડ સ્ટાન્ડર્ડ’

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે (સ્થાનિક સમય મુજબ) એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. તેમાં તેમની સરકારે ગંભીર અને જીવલેણ બીમારીઓ સામેની 11 મુખ્ય બાળ રસીઓને ‘ગોલ્ડ સ્ટાન્ડર્ડ’ તરીકે માન્યતા આપવાની જાહેરાત કરી છે. આ સાથે ઓર્ડરમાં ઓરી (Measles ), ગાલપચોળિયાં (Mumps ) અને રૂબેલા (MMR)ની રસીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ઓવલ ઓફિસમાં એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરતી વખતે ટ્રમ્પે કહ્યું કે અમેરિકામાં વર્ષોથી અન્ય સમકક્ષ દેશોની સરખામણીએ બાળકો માટે વધુ રસીઓની ભલામણ કરવામાં આવતી હતી. કેટલાક કિસ્સામાં બાળકોને 72 સુધી રસીના ડોઝ આપવામાં આવતા હોવાનો પણ તેમણે દાવો કર્યો.
ટ્રમ્પે કહ્યું, “તાત્કાલિક અસરથી મારી સરકાર ગંભીર અને ખતરનાક બીમારીઓ સામેની માત્ર 11 મુખ્ય બાળ રસીઓ માટે ‘ગોલ્ડ સ્ટાન્ડર્ડ’ ભલામણોને માન્યતા આપી રહી છે, સાથે MMR રસી પણ રહેશે.” તેમણે એમ પણ કહ્યું કે MMR રસી ત્રણ અલગ-અલગ રસીઓ તરીકે જુદા સમયે આપવી જોઈએ.
ટ્રમ્પે વધુમાં કહ્યું કે બાળકના જન્મ બાદ તરત જ માતા-પિતા પર અનેક રસીઓ અપાવવાનું દબાણ ન હોવું જોઈએ. તેમણે કહ્યું કે આખરે આ મુદ્દો “પસંદગીની સ્વતંત્રતા” સાથે જોડાયેલો છે.
અમેરિકાના આરોગ્ય સચિવ રોબર્ટ એફ. કેનેડી જુનિયરે કહ્યું કે સરકાર રસીની ઉપલબ્ધતા જાળવી રાખવાની સાથે તેની સુરક્ષા અંગેની દેખરેખ, સંશોધન અને આરોગ્ય સંબંધિત નિર્ણયોમાં માતા-પિતાની પસંદગીને વધુ મજબૂત બનાવશે.
તેમણે કહ્યું, “અમે રસીઓની ઉપલબ્ધતા જાળવી રાખીશું, સુરક્ષા અંગેની દેખરેખ મજબૂત કરીશું, સંશોધનનો વિસ્તાર કરીશું, ડોક્ટરો અને માતા-પિતાને વધુ સારી માહિતી આપીશું અને અમેરિકન તબીબી વ્યવસ્થામાં જાણકારીના આધારે સંમતિ તથા માતા-પિતાની પસંદગીને તેનું યોગ્ય સ્થાન પાછું અપાવીશું.”
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઑફ હેલ્થ (NIH)ના ડિરેક્ટર જય ભટ્ટાચાર્યએ કહ્યું કે આ નિર્ણયથી પરિવારો અને માતા-પિતાને પોતાના બાળકો અંગે નિર્ણય લેવાની સ્વાયત્તતા પુનઃસ્થાપિત થશે. સાથે જ રસી અંગેની ભલામણોમાં વિજ્ઞાનની ભૂમિકા યથાવત રહેશે.
વ્હાઇટ હાઉસના સલાહકાર સ્ટીફન મિલરે પણ આ નિર્ણયને આવકાર્યો અને કહ્યું કે તે દર્દીઓ તથા માતા-પિતાની પસંદગીના અધિકારને પુનઃસ્થાપિત કરવાની દિશામાં એક પગલું છે. તેમના મતે તબીબી નિર્ણયોમાં માતા-પિતા અને ડોક્ટરોને યોગ્ય નિર્ણય લેવાની તક મળવી જોઈએ.
ઓરીથી ગંભીર બીમારીઓનું જોખમ
ઓરી અત્યંત ચેપી વાયરસજન્ય બીમારી છે. તેના સંપર્કમાં આવતાં રસી ન લીધેલા 10માંથી નવ લોકો સુધી સંક્રમિત થઈ શકે છે. સામાન્ય રીતે તેના લક્ષણો થોડા અઠવાડિયામાં દૂર થઈ જાય છે, પરંતુ ખાસ કરીને નાના બાળકોમાં તે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી કરી શકે છે.
ઓરીના કારણે કાનમાં ચેપ, ન્યુમોનિયા, ફેફસાંમાં સોજો અને એન્સેફેલાઇટિસ જેવી ગંભીર જટિલતાઓ થઈ શકે છે. એન્સેફેલાઇટિસમાં મગજમાં સોજો આવે છે, જેના કારણે લાંબા ગાળે આંચકી આવવી અને યાદશક્તિ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
ઓરીથી બચાવનો સૌથી અસરકારક ઉપાય રસીકરણ છે. સામાન્ય રીતે ઓરી, ગાલપચોળિયાં અને રૂબેલાથી બચવા માટે MMR કોમ્બિનેશન રસી આપવામાં આવે છે. આરોગ્ય સત્તાવાળાઓ બાળકોને 15 મહિનાની ઉંમર પહેલાં પ્રથમ ડોઝ અને છ વર્ષની ઉંમર પહેલાં બીજો ડોઝ આપવાની ભલામણ કરે છે.
MMR રસીને સામાન્ય રીતે સુરક્ષિત માનવામાં આવે છે અને તે લાંબા ગાળાનું રક્ષણ આપે છે. જોકે, કેટલાક દેશોમાં રસીકરણનું પ્રમાણ ઘટ્યું છે. અમેરિકામાં પણ ખોટી માહિતી અને આધારવિહોણા દાવાઓને કારણે રસીકરણના પ્રમાણમાં ઘટાડો થયો હોવાનું જણાવાય છે. અમેરિકાના આરોગ્ય સચિવ રોબર્ટ એફ. કેનેડી જુનિયર અગાઉ MMR રસીની અસરકારકતા ઝડપથી ઘટી જતી હોવાનો દાવો કરી ચૂક્યા છે અને તેના કારણે કેટલાક સ્વાસ્થ્ય જોખમો હોવાના સંકેતો પણ આપ્યા હતા. જોકે, નિષ્ણાતો અને અમેરિકાના સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) જેવી આરોગ્ય સંસ્થાઓએ આવા દાવાઓનો વિરોધ કર્યો છે અને જણાવ્યું છે કે MMR રસી ઓરીનો ચેપ લાગવા કરતાં ઘણી વધુ સુરક્ષિત છે.

