અમેરિકાએ પાકિસ્તાન પાસે કડક શબ્દોમાં નાણાકીય હિસાબ માગ્યો
ફિસ્કલ ટ્રાન્સપરન્સી રિપોર્ટ ૨૦૨૬ અને સંસદીય દેખરેખ

વોશિંગ્ટન/ઈસ્લામાબાદ: અમેરિકાએ પાકિસ્તાનની આર્થિક વ્યવસ્થા અને નાણાકીય પારદર્શિતા વધારવા માટે ‘ફિસ્કલ ટ્રાન્સપરન્સી રિપોર્ટ ૨૦૨૬’ માં કેટલીક અત્યંત મહત્વપૂર્ણ અને કડક ભલામણો કરી છે. અમેરિકન વિદેશ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આ અહેવાલમાં પાકિસ્તાનના બજેટ અને સરકારી ખર્ચની સમીક્ષા કરવામાં આવી છે. આ રિપોર્ટમાં ખાસ કરીને પાકિસ્તાની સેના અને ગુપ્તચર એજન્સી ISI પાછળ થતા સરકારી ખર્ચને સંસદીય તથા નાગરિક દેખરેખ હેઠળ લાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
સૈન્ય અને ISI ના બજેટ પર નાગરિક દેખરેખની માંગ
અમેરિકાની સૌથી મુખ્ય અને કડક માંગ પાકિસ્તાનના લશ્કર અને ગુપ્તચર એજન્સીઓના બજેટને લઈને છે. રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને સેના અને ISI પર થતા તમામ સરકારી ખર્ચની માહિતી જાહેર કરવી જોઈએ. આ બજેટ પર દેશની જનતા અને સંસદની સીધી દેખરેખ રહે તે માટે સ્પષ્ટ તંત્ર બનાવવાની સલાહ આપવામાં આવી છે. અમેરિકન વિદેશ વિભાગનું માનવું છે કે કોઈપણ લોકશાહી દેશમાં નાણાકીય પારદર્શિતા માટે સૈન્ય બજેટ પર નાગરિકોનું નિયંત્રણ હોવું આવશ્યક છે.
સરકારી દેવાં અને બાકી લેણી રકમ જાહેર કરવાની સલાહ
રિપોર્ટમાં પાકિસ્તાનને પોતાના સરકારી દેવાં અને મોટા સરકારી સાહસોની બાકી લેણી રકમોની સંપૂર્ણ વિગતો જાહેર કરવા જણાવવામાં આવ્યું છે. જોકે પાકિસ્તાનનું બજેટ આવક અને ખર્ચનું સામાન્ય ચિત્ર રજૂ કરે છે, પરંતુ દેશ પર કુલ કેટલું દેવું છે તેની સ્પષ્ટ અને વિગતવાર માહિતી આપવા બાબતે હજુ પણ ઘણી ખામીઓ અને અપારદર્શિતા જોવા મળી રહી છે, જેને સુધારવાની જરૂર છે.
સમયસર બજેટ અને આર્થિક જવાબદેહી પર ભાર
અમેરિકાએ પાકિસ્તાનને તેનું બજેટ પ્રપોઝલ યોગ્ય સમયે રજૂ કરવા અને નાણાકીય જવાબદારી વધારવા ટાંક્યું છે. અહેવાલ મુજબ, પાકિસ્તાનનું મંજૂર થયેલું બજેટ અને વર્ષના અંતનો ઓડિટ અહેવાલ જાહેર રીતે ઉપલબ્ધ હોય છે. છતાં પણ, અમેરિકા ઈચ્છે છે કે પાકિસ્તાન ખાસ કરીને પોતાના સૈન્ય ખર્ચ અને સરકારી કરજ અંગે વધુ જવાબદાર બને. મીડિયા અહેવાલ અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ રિપોર્ટથી પાકિસ્તાન સરકાર અને સૈન્ય વડાઓ પર આંતરરાષ્ટ્રીય દબાણ વધવાની શક્યતા છે.

