સલમાન ખાન સામે જ્વેલરી ફ્રોડ કેસમાં નોટિસ
અરુણ ગોયલે લગાવ્યા ત્રણ કરોડના આરોપો, બિઝનેસમેનના ગંભીર આક્ષેપોથી હલચલ મચી

ચંડીગઢ :બોલિવૂડના જાણીતા અભિનેતા સલમાન ખાન અને તેમની બહેન અલવીરા ખાન ફરી એકવાર મોટી કાનૂની મુશ્કેલીઓમાં ફસાયા છે. ચંડીગઢની ડિસ્ટ્રિક્ટ કોર્ટે બીઈંગ હ્યુમન જ્વેલરી શોરૂમ સાથે જોડાયેલા કથિત ફ્રોડ કેસમાં સલમાન ખાન, તેમની બહેન અલવીરા અને સંબંધિત કંપનીના ડિરેક્ટરોને લીગલ નોટિસ ફટકારી છે. કોર્ટે તમામને આગામી પાંચ ઓક્ટોબર સુધીમાં પોતાની સામે લાગેલા આરોપો પર સ્પષ્ટ જવાબ રજૂ કરવા અને કોર્ટ સમક્ષ હાજર રહેવા સખત આદેશ આપ્યો છે.
આ સમગ્ર મામલો મણીમાજરાના રહેવાસી અને વ્યવસાયી અરુણ ગોયલ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે સામે આવ્યો છે. ફરિયાદીએ આરોપ મૂક્યો છે કે પ્રખ્યાત બ્રાન્ડના નામે શોરૂમ શરૂ કરાવ્યા બાદ તેમને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. આ માટે તેમણે સંબંધિત કંપની સાથે કરાર કર્યો હતો અને શોરૂમ પાછળ કરોડો રૂપિયાનું રોકાણ પણ કર્યું હતું, પરંતુ કંપની તરફથી કોઈ જ સહયોગ મળ્યો ન હતો જેના કારણે ધંધો પડી ભાંગ્યો હતો.
ફરિયાદીના જણાવ્યા અનુસાર, તેમણે મણીમાજરાના એનએસી વિસ્તારમાં લગભગ ત્રણ કરોડ રૂપિયાના કુલ ખર્ચે બીઈંગ હ્યુમન જ્વેલરીનો મોટો શોરૂમ શરૂ કર્યો હતો. આ માટે સ્ટાઈલ એન્ડ ક્યુન્ટેન્ટ જ્વેલરી પ્રાઈવેટ લિમિટેડ સાથે એગ્રીમેન્ટ કરવામાં આવ્યો હતો અને સ્ટોર તૈયાર કરવામાં જ અંદાજે એક કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. જોકે, શોરૂમ શરૂ થયાના ટૂંક સમય બાદ જ કંપની તરફથી નવો સામાન મળવાનો બંધ થઈ ગયો કારણ કે જે સ્ટોરથી જ્વેલરી સપ્લાય થવાની હતી તે ફેબ્રુઆરી 2020થી જ બંધ હાલતમાં હતો.
મીડિયા અહેવાલ મુજબ, આ મામલે પીડિત બિઝનેસમેને વર્ષ 2021માં પોલીસનો સંપર્ક કર્યો હતો પરંતુ ત્યાંથી સિવિલ કોર્ટમાં જવાની સલાહ મળતા તેમણે વર્ષ 2023માં કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા અને તમામ પુરાવાઓ સોંપ્યા હતા. હવે કોર્ટે નોટિસ ફટકાર્યા બાદ આ કેસમાં નવો मोड़ આવ્યો છે. આ નોટિસ અંગે હજુ સુધી ખાન પરિવાર કે તેમની ટીમ તરફથી કોઈ પણ પ્રકારની સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

