મોરબીના રવાપર ગામે 8 ઓગસ્ટે કિસાન મહાસભામાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત હાજર રહેશે

મોરબી જિલ્લાના રવાપર ગામે આગામી 8 ઓગસ્ટ, 2026ના રોજ ભારતના અગ્રણી ખેડૂત નેતા રાકેશ ટિકૈતની હાજરીમાં કિસાન મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારાએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાત્રે 8 વાગ્યે રવાપર ગામે આવેલા કેપિટલ માર્કેટના ગ્રાઉન્ડમાં આ જાહેર સભા યોજાશે. તેમણે મોરબી સહિત રાજ્યભરના ખેડૂતોને મોટી સંખ્યામાં હાજર રહી ખેડૂત એકતાનું પ્રદર્શન કરવા અપીલ કરી છે.
જેતપરથી શરૂ થયેલા આંદોલનને મળ્યો રાજ્યવ્યાપી વ્યાપ મોરબી જિલ્લાના જેતપર ગામેથી ખાનગી વીજ કંપનીઓ પાસેથી પૂરતું વળતર મેળવવાની માંગ સાથે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે ગુજરાતના અનેક જિલ્લાઓ સુધી વિસ્તર્યું છે. આંદોલન સંપૂર્ણપણે બિન-રાજકીય ધોરણે આગળ વધી રહ્યું છે, જેમાં કોઈપણ રાજકીય પક્ષના આગેવાનોને સામેલ કરવામાં આવ્યા નથી. વિવિધ જિલ્લાઓમાં ખેડૂતો દ્વારા આવેદનપત્રો આપી પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી રહી છે.
સભા પહેલાં રાકેશ ટિકૈત ખેડૂત છાવણીની કરશે મુલાકાત મનોજ પનારાના જણાવ્યા મુજબ, રાકેશ ટિકૈત જાહેર સભા પહેલાં જેતપર ગામે ચાલી રહેલી ગુજરાત ખેડૂત છાવણીની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ ખેડૂતો સાથે સીધી મુલાકાત કરીને તેમની સમસ્યાઓ, માંગણીઓ અને આંદોલનની સ્થિતિ અંગે માહિતી મેળવશે. ત્યારબાદ તેઓ રવાપર ગામે યોજાનારી કિસાન મહાસભાને સંબોધશે.રાષ્ટ્રીય સ્તરના ખેડૂત આગેવાનો પણ રહેશે ઉપસ્થિત આ કિસાન મહાસભામાં રાકેશ ટિકૈત સાથે તેમની ટીમના રાષ્ટ્રીય મહાસચિવ યદુવીરસિંહ તેમજ રાજસ્થાનના ખેડૂત આગેવાન હિંમતસિંહ ગુર્જર સહિતના અગ્રણી ખેડૂત નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. આયોજકોના જણાવ્યા મુજબ, મહાસભામાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાઈ ખેડૂત હિતના મુદ્દાઓ પર એકતા દર્શાવશે અને આગામી રણનીતિ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

